Entertainment

ફાયરિંગની ઘટના બાદ સલમાન ખાનની પહેલી તસવીર સામે આવી, મહારાષ્ટ્રના CMએ આપી આ ખાતરી..

મુંબઈ(Mumbai): ફાયરિંગની (Firing) ઘટના બાદ સલમાન ખાનની (SalmanKhan) પહેલી તસવીરો બહાર આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Maharashtra CM Eknath Shinde) ફાયરિંગની ઘટના બાદ સલમાન ખાનને મળવા તેના ઘરે પહોંચ્યા હતા ત્યારની તસવીરો સામે આવી છે. તસવીરોમાં દબંગ ખાન ટેન્શનમાં દેખાઈ રહ્યો છે.

આજે તા. 16 એપ્રિલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સલમાન ખાનને મળવા ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. બંનેની તસવીરો સામે આવી છે. આમાં બંને વાત કરતા જોઈ શકાય છે. અભિનેતાના પિતા સલીમ ખાન પણ સલમાન અને એકનાથ શિંદે સાથે જોવા મળી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી શિંદેએ સલમાન ખાન અને તેના પરિવાર સાથે થોડો સમય વાત કરી હતી. આ દરમિયાન તેણે અભિનેતાને ખાતરી આપી હતી કે તેની અને તેના પરિવારની સુરક્ષા વધારવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ મહારાષ્ટ્રમાં અંડરવર્લ્ડની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિને સહન કરશે નહીં. ભલે તે બિશ્નોઈ ગેંગ હોય.

આ અગાઉ ફાયરિંગની ઘટના બાદ તા. 15 એપ્રિલના રોજ રાજ ઠાકરે સલમાન ખાનને મળવા તેના ઘરે ગયા હતા. આ સિવાય અભિનેતા પોતે પણ ભારે સુરક્ષા વચ્ચે બહાર આવ્યો હતો. જો કે સુરક્ષાના કારણોસર તેની તસવીરો સામે આવી શકી નથી. સલમાન ખાનના ઘરે અચાનક ફાયરિંગ થવાથી તેનો પરિવાર આઘાતમાં છે. આવી સ્થિતિમાં અભિનેતા અને તેના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

રવિવારે સલમાનના ઘર બહાર ફાયરિંગ થયું હતું
થોડા વર્ષો પહેલા બોલિવુડના દબંગ એક્ટર સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. ધમકીઓ બાદ સલમાન ખાન ખૂબ જ કડક સુરક્ષા હેઠળ જીવી રહ્યો છે. પરંતુ ભારે સુરક્ષા હોવા છતાં ગઈ તા. 14 એપ્રિલને રવિવારની વહેલી સવારે 4.50 વાગ્યે બે અજાણ્યા લોકોએ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર હવામાં ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને પછી હવામાં ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. હવે આ બંને મુંબઈ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા 2 આરોપીઓ ગુજરાતમાંથી પકડ્યા
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા બે આરોપીઓના નામ વિકી ગુપ્તા (24) અને સાગર પાલ (21) છે. બંને આરોપી શૂટર બિહારના પશ્ચિમ ચંપારણના મસીહના રહેવાસી છે. આ બંને સામે અગાઉ પણ ચોરી, ચેઈન સ્નેચિંગ જેવા ગુના નોંધાયેલા છે. બંને આરોપીઓને મુંબઈ લાવવામાં આવશે.

Most Popular

To Top