National

PM Modi Interview: અમે વિઝન 2047 માટે કામ કરી રહ્યા છીએ, અમારા નિર્ણયો કોઈને ડરાવવા માટે નથી

નવી દિલ્હી: (New Delhi) લોકસભા ચૂંટણીના (Election) પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે છે. આ પહેલા પીએમ મોદીએ (PM Modi) ANIને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેમણે આર્ટિકલ 370, ઈલેક્ટોરલ બોન્ડથી લઈને CAA સુધીના દરેક મુદ્દા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે વિકસિત ભારત @2047ના વિઝન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ANIને આપેલા ઈન્ટરવ્યુમાં PM મોદીએ દેશવાસીઓને કહ્યું કે મારી પાસે મોટી યોજનાઓ છે. અમે પહેલા 100 દિવસનું પ્લાનિંગ કર્યું છે. તેમણે કહ્યું કે કોઈએ ડરવાની જરૂર નથી. મારા નિર્ણયો કોઈને ડરાવવા કે કોઈને નીચા દેખાડવા માટે નથી. દેશના સર્વાંગી વિકાસ માટે પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાને કહ્યું કે આપણે ઝડપની સાથે સાથે સ્કેલ પણ વધારવો પડશે. દેશની સામે એક તક છે. એક કોંગ્રેસ સરકારનું મોડલ છે, એક છે ભાજપ સરકારનું મોડલ. તેમનો કાર્યકાળ 5-6 દાયકા અને અમારો કાર્યકાળ માત્ર 10 વર્ષ ચાલ્યો. કોંગ્રેસના 50 વર્ષ અને મારા 10 વર્ષના કામની સરખામણી કરો. ચૂંટણી આપણા માટે એક મહાન તહેવાર છે. પીએમે કહ્યું કે અમે દેશને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મારા નિર્ણયો કોઈને ડરાવવા માટે નથી. કોઈએ ડરવાની જરૂર નથી. દેશ માટે ઘણું કરવાનું બાકી છે. તેમણે કહ્યું કે તેઓ મા ભારતીનાં દિકરા છે અને પોતાની માતા માટે કામ કરી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે મારી પાસે 25 વર્ષનું વિઝન છે અને આજે હું તે કરી રહ્યો છું એવું નથી. હું ગુજરાતમાં હતો ત્યારે આ દિશામાં વિચારતો હતો. 2024ની ચૂંટણી દેશ સમક્ષ એક તક છે. 2047માં દેશ આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે. આવા સમયે દેશમાં એક પ્રેરણા ઉભી થવી જોઈએ. 2047નું મારું વિઝન મોદીનું પોતિકું નથી. તેમાં 15-20 લાખ લોકોના મંતવ્યો સામેલ છે. એક રીતે તેની માલિકી દેશની છે. મેં તેને દસ્તાવેજના રૂપમાં બનાવ્યું છે. ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર પીએમએ કહ્યું કે એક રાષ્ટ્ર, એક ચૂંટણી અમારી પ્રતિબદ્ધતા છે. ઘણા લોકોએ કમિટીને પોતાના સૂચનો આપ્યા છે. ઘણા હકારાત્મક અને નવીન સૂચનો આવ્યા છે. જો આપણે આ અહેવાલને અમલમાં મુકી શકીશું તો દેશને ઘણો ફાયદો થશે.

પ્રાણ જાયે પર વચન ના જાયે: PM
પીએમએ કહ્યું કે મને લાગે છે કે રાજકીય નેતૃત્વ શંકાસ્પદ બની રહ્યું છે. આવી સ્થિતિમાં આપણે યાદ રાખવું જોઈએ કે ‘પ્રાણ જાયે પર વચન ન જાયે’ આપણી પરંપરા છે. હું માનું છું કે રાજકારણીઓએ જવાબદારી લેવી જોઈએ. હું જે કહું તે મારી જવાબદારી છે અને મેં તેની ખાતરી પણ આપી છે. મેં કલમ 370નો મુદ્દો ઉઠાવ્યો, આ અમારી પાર્ટીની પ્રતિબદ્ધતા રહી છે. મેં હિંમત બતાવી અને 370 હટાવી. આજે જમ્મુ-કાશ્મીરનું ભાગ્ય બદલાઈ ગયું છે.

કાળા નાણા અને ઈલેક્ટોરલ બોન્ડ પર PMએ શું કહ્યું?
વડા પ્રધાને વિપક્ષી પક્ષો પર ચૂંટણી બોન્ડ યોજના પર જુઠ્ઠાણા ફેલાવવાનો આરોપ મૂક્યો છે જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. દરેક જણ તેને ફગાવશે. તેમણે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમનો ઉદ્દેશ્ય ચૂંટણીમાં કાળા નાણા પર અંકુશ લાવવાનો હતો તેમણે કહ્યું કે વિપક્ષ આક્ષેપો કરીને ભાગવા માંગે છે.

જ્યારે પીએમ નરેન્દ્ર મોદીને વિપક્ષના આરોપ વિશે પૂછવામાં આવ્યું કે એજન્સીઓ સરકારના નિયંત્રણમાં છે અને જ્યારે ઈવીએમ પર સવાલો ઉઠાવવામાં આવ્યા તો તેમણે કહ્યું કે હકીકતમાં તેઓ તેમની હારનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી હારનો દોષ સીધો તેમના માથે ન નાખવામાં આવે. જ્યારે પીએમ નરેન્દ્ર મોદીને એલોન મસ્કના ભારતીય બજારમાં પ્રવેશ અને રોજગાર સર્જન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પૈસા કોઈના પણ હોય પરસેવો મારા દેશનો હોવો જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે એલોન મસ્ક માટે મોદીના સમર્થક બનવું એક વાત છે. મૂળભૂત રીતે તેઓ ભારતના સમર્થક છે. હું ભારતમાં રોકાણ ઈચ્છું છું.

Most Popular

To Top