SURAT

સ્કેટિંગના નેશનલ લેવલના રેફરીએ સુરતમાં પોતાના ઘરે ઝેર પી આપઘાત કર્યો

સુરત: શહેરમાં આપઘાતના (Sucide) બનાવોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. હજુ ગઈકાલે ધો. 10ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ આપઘાત કર્યાના સમાચાર આવ્યા હતા, ત્યાં આજે એક આશાસ્પદ યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

રાંદેર વિસ્તારમાં રહેતા યુવકે પોતાના ઘરમાં ઝેર પી આપઘાત કર્યો છે. 39 વર્ષીય ચિરાગ રમેશચંદ્ર મિસ્ત્રી નામનો આ યુવક સ્કેટિંગમાં નેશનલ લેવલનો રેફરી (National Level Referee in Skating) હતો. અચાનક ચિરાગે કેમ આપઘાત કરી લીધો તે કોઈને સમજાતું નથી. પરિવારમાં શોકનં મોજું ફરી વળ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચિરાગ મિસ્ત્રીએ નેશનલ સ્કેટિંગના ચીફ રેફરી બનવા માટે 15 દિવસ પહેલાં જ પરિક્ષા આપી હતી. તેને ઘરે એકલતાનો લાભ લઈ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું છે. તેના આપઘાત પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી.

ચિરાગના પરિવારજનોએ કહ્યું કે, કોઈ ચોક્કસ કારણોસર ચિરાગે આપઘાત કર્યો હોઈ શકે. દેખીતું કોઈ કારણ હતું નહીં. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

પાંડેસરામાં ભૂત બંગલાની બાજુમાં યુવકે ઝાડની ડાળીએ ફાંસો ખાઈ લીધો
સુરત: પાંડેસરામાં ભૂત બંગલાની બાજુમાં ઝાડની ડાળી સાથે યુવકે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, સોમવારે સવારે 8:30 વાગ્યાના અરસામાં પાંડેસરામાં નાગસેન નગર પાસે ભૂત બંગલાની બાજુમાં ખુલ્લી જગ્યામાં બાવળના ઝાડની ડાળી સાથે ફાંસો ખાધેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો.

સુરત પોલીસને ફોન કરાતાં, પાંડેસરા પોલીસની એક ટીમ સ્થળે દોડી ગઈ હતી. યુવકના મૃતદેહને ડાળી ઉપર નીચે ઉતારી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ યુવકની ઉંમર અંદાજિત 30થી 35 વર્ષની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બનાવને કારણે પાંડેસરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી યુવકના પરિવારની શોધખોળ હાથ ધરી છે.

કાપોદ્રામાં 21 વર્ષીય યુવતીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
સુરત: કાપોદ્રામાં 21 વર્ષીય યુવતીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવાર હતપ્રભ થઈ ગયો છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલી રામરાજ્ય સોસાયટીમાં ભીમજીભાઈ બોલિયા 2 સંતાન સહિતના પરિવાર સાથે રહે છે. ભીમજીભાઈ રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ભીમજીભાઈની દીકરી કિરણબેન (21 વર્ષ)એ રવિવારે સાંજે ઘરમાં લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

કાપોદ્રામાં 16 વર્ષીય તરૂણનો ફાંસો ખાઈને આપઘાત
સુરત: કાપોદ્રામાં 16 વર્ષીય તરૂણે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તરૂણે પંદરેક દિવસ પહેલા ધોરણ 10ની પરીક્ષા આપી સુરત કાકાના ઘરે આવ્યો હતો. સ્મીમેર હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર ઓરિસ્સા ખાતે નારાયણ શાહુ 4 સંતાન સહિતના પરિવાર સાથે રહે છે. નારાયણના સંતાન પૈકી જગ્યાન (16 વર્ષ) એ હાલમાં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. ત્યારબાદ તે ઘરે હતો. જેથી પંદરેક દિવસ પહેલા પરિવારજનોએ તેને સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા શ્રીરામ નગર શેરી નંબર-2માં રહેતા કાકાના ઘરે કામ શીખવા માટે મોકલ્યો હતો. સુરત આવ્યા બાદ જગ્યાન એમ્બ્રોડરીના ખાતામાં નોકરી ઉપર જવા લાગ્યો હતો. રવિવારે સાંજે જગ્યાને ઘરમાં પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top