Gujarat

અમદાવાદી ગરમીએ છેલ્લા 15 દિવસમાં 3230 લોકોને હોસ્પિટલ ભેગા કર્યા, 2 દિવસ યલો એલર્ટ

અમદાવાદ: સતત બદલાઇ રહેલા વાતાવરણના (Atmosphere) કારણે રાજ્યના વિવિધ શહેરોમાં કાળઝાળ ગરમી (Heat) પડી રહી છે. તેમજ લોકોમાં ગરમીના કારણે ઝાડા, ઊલટી અને ચક્કર જેવી બિમારીઓ (Disease) પણ વધી રહી છે. ત્યારે રાજ્યના અમદાવાદ (Ahmedabad) શહેરમાં પાછલા 15 દિવસમાં રેકોર્ડ બ્રેક 3230થી વધુ લોકો ઊનાળુ બિમારીના કારણે હોસ્પિટલ ભેગા થયા છે. તેમજ રાજ્યમાં સૌથી વધુ ગરમી મહુવા શહેરમાં પડી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ગઇકાલે મંગળવારે 41 ડિગ્રી વટાવી 41.3 ડિગ્રીએ પહોંચી ગયું હતું. તેમજ ગરમીનું પ્રમાણ વધતાં અમદાવાદ કોર્પોરેશને શહેરમાં બે દિવસ યલો એલર્ટ જાહેર કરી દીધું છે. જેનો અર્થ એ છે કે, બુધવાર અને ગુરુવારે ગરમીનો પારો 41થી 43 ડિગ્રી વચ્ચે રહી શકે છે. મંગળવારનું 41.3 ડિગ્રી તાપમાન સિઝનનું બીજું સૌથી વધારે તાપમાન હતું.

ગરમીનો પારો ઉંચકાતા શહેરમાં બિમારીઓએ પણ જોર પકડ્યું છે. તેમજ પ્રાપ્ત આંકડા અનુસાર માત્ર અમદાવાદમાં જ 15 દિવસમાં 3230 લોકોને હીટસ્ટ્રોકની અસર થઈ હતી. રોજ સરેરાશ 200 લોકો ગરમી સંબંધિત બીમારીનો ભોગ બન્યા હતા. તેમજ મ્યુનિસીપલ કોર્પોરેશને એ છેલ્લા એક સપ્તાહમાં 48 હજારથી વધુ ઓઆરએસના પડીકાનું વિતરણ કર્યું હતું.

બીજી બાજું વધતા વિકાસને કારણે પણ ગરમીનો પારો હાઇ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે શહેરોમાં ડામરના રોડ, વાહનોના ધુમાડા, મોટી સંખ્યામાં ચાલતા એસી તેમજ કાચની દીવાલો ધરાવતી અસંખ્ય બિલ્ડિંગોને કારણે ગરમી હોય તેના કરતાં પણ વધુ અનુભવાય છે. 

તેમજ મંગળવારે સવારથી વાદળિયા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો સવારથી જ વધવાનો શરૂ થઈ ગયો હતો. અમદાવાદ સહિત રાજ્યના 13 શહેરમાં ગરમી 40 ડિગ્રીને પાર કરી ગઈ હતી. સૌથી વધુ 43 ડિગ્રી ગરમી મહુવામાં નોંધાઈ હતી.

અગાવ 15 એપ્રિલના રોજ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ બાદ 16 એપ્રિલથી ફરી એક વખત તાપમાનનો પારો ઊંચકાયો હતો. જે આગામી 3-4 દિવસ સુધી સતત વધતો રહેશે તેવી શક્યતા છે. પરંતુ 3-4 દિવસ બાદ હવામાન વિભાગની આગાહી અનુસાર બે ડિગ્રી જેટલા તાપમાનમાં ઘટાડાની શક્યતાઓ છે.

અમદાવાદ સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે તેવી શક્યતાઓ છે. ફક્ત આટલું જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે.

Most Popular

To Top