SURAT

લોકસભા ચૂંટણી પહેલાં સુરતમાં આપને મોટો ઝટકો, બે પાટીદાર નેતાએ રાજીનામું આપ્યું

સુરત(Surat): લોકસભાની ચૂંટણી (Loksabha Election) માથે છે ત્યારે ગુજરાતમાં (Gujarat) આમ આદમી પાર્ટીને (AAP) મોટો ઝટકો લાગ્યો છે. સુરતમાં પાટીદાર આંદોલનના (Patidar Andolan) ચહેરા સમાન બે નેતાઓએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું (Resignation) આપી દીધું છે.

અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya) અને ધાર્મિક માલવિયાએ (Dharmik Malviya) આજે આપ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. હજુ ગઈકાલે જ આ બંને નેતાઓનું નામ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીમાં જાહેર કરાયું હતું. એકાએક બંને નેતાઓએ રાજીનામું ધરી દેતાં આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. બંને નેતાઓ ભાજપમાં જોડાય તેવી ચર્ચા છે.

પાટીદાર આંદોલનથી જાણીતા થયેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા થોડો સમય પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. લોકસભા ચૂંટણી પહેલાં આ બંને નેતાઓએ આજે આપમાંથી રાજીનામું આપ્યું છે. બંને નેતાઓએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને લેખિત રાજીનામું આપ્યું છે. હાલમાં જે રીતે હવા છે તે જોતાં બંને નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

આનંદીબેન પટેલની સરકાર વખતે રાજ્યમાં અનામતની માંગણી સાથે પાટીદારોએ આંદોલન છેડ્યું હતું. ત્યારે હાર્દિક પટેલની સાથે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પાટીદાર આંદોલન સમિતિના અગ્ર હરોળના નેતા તરીકે ઉપસીને બહાર આવ્યા હતા. સુરતમાં પાટીદાર આંદોલનની સફળતામાં આ બંને યુવાન નેતાઓનો મોટો હાથ હતો.

પાટીદાર આંદોલન બાદ ધાર્મિક અને અલ્પેશ રાજકારણમાં કોંગ્રેસને સપોર્ટ કર્યા બાદ આપને પાલિકાની ચૂંટણીમાં પાસ દ્વારા સપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેના કારણે પાલિકામાં ઘણી બેઠકો આપને મળી હતી. પરંતુ પાસના મુખ્ય ચહેરા એવા અલ્પેશ કથિરિયાએ વિધાનસભામાં વરાછા બેઠક પરથી કુમાર કાનાણી સામે ચૂંટણી જંગ લડ્યો હતો. જેમાં તેની હાર થઈ હતી. તો ઓલપાડ બેઠક પરથી ધાર્મિકની હાર થઈ હતી.

ત્યાર બાદ બંને આપમાં જોડાયા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં તેઓ આપમાં જોડાયા હતા. સુરતમાં ધાર્મિક અને અલ્પેશને આપના સ્ટાર પ્રચારક માનવામાં આવતા હતા. આ બંને નેતાઓએ અચાનક રાજીનામું ધરી દેતાં આપને લોકસભાની ચૂંટણી પહેલાં મોટું નુકસાન થયું છે.

રાજીનામાં અંગે ધાર્મિક માલવિયાએ કહ્યું કે, ઘણા સમયથી રાજકારણમાં સક્રિય નહોતાં. એટલે કોઈ ઉહાપોહ ન થવો જોઈએ. અમે સામાજિક સંસ્થાઓ અને કાર્યો સાથે વિશેષ સંકળાયેલા છીએ એટલે હાલ આપમાંથી વિદાય લીધી છે. લોકસભાને લઈને રાજીનામું આપ્યાનું કોઈ વિશેષ કારણ નથી.

Most Popular

To Top