National

પ્રથમ તબક્કાના વોટિંગની શરૂઆતમાં બંગાળ સૌથી આગળ, કૂચ બિહારમાં પથ્થરમારો, બીજાપુરમાં બ્લાસ્ટ

નવી દિલ્હી: આજે એટલેકે તારીખ 19 એપ્રિલના રોજથી લોકસભા ચૂંટણીનો (Lok Sabha Elections) શુભારંભ થયો છે. ત્યારે લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં (First stage) 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન શરુ કરાયુ છે. પ્રથમ તબક્કામાં 1600થી વધુ ઉમેદવારો મેદાનમાં છે.

પ્રથમ તબક્કામાં નવ કેન્દ્રીય પ્રધાનો, બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનું ભાવિ પણ દાવ પર છે. ત્યારે આજનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયુ હતું. તેમજ સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ સાથે જ આજે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની 92 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે. ત્યારે શરૂવાતના કલાકોમાં સૌથી વધુ મતદાન બંગાળમાં જોવા મળ્યું હતુ. તેમજ કુચ બિહારમાં મતદાન સમયે પથ્થર મારો કરવામાં આવ્યો હતો.

પ્રથમ તબક્કાના મતદાનમાં તમિલનાડુની 39, ઉત્તરાખંડની 5, અરુણાચલ પ્રદેશની 2, મેઘાલયની 2, આંદામાન અને નિકોબાર ટાપુઓની 1, મિઝોરમની 1 બેઠકનો સમાવેશ થાય છે. આ સાથે જ નાગાલેન્ડની 1, પુડુચેરીની 1, સિક્કિમની 1 અને લક્ષદ્વીપની 1 બેઠક ઉપર મતદાન શરુ થયું હતું. આ ઉપરાંત રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્યપ્રદેશની 6, આસામ અને મહારાષ્ટ્રની 5-5, બિહારની 4, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની 2 અને ત્રિપુરાજમ્મુ અને કાશ્મીર અને છત્તીસગઢની એક-એક બેઠક પર મતદાન શરૂ થયું હતું.

બીજાપુરમાં મતદાન મથકથી 500 મીટર દૂર બ્લાસ્ટ
પ્રાપ્ત વિગતો મુજબ બીજાપુર જિલ્લાના ઉસૂર પોલીસ સ્ટેશન વિસ્તારના ગલગામમાં 500 મીટરના અંતરે સ્થીત મતદાન મથકે ગેનેડ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના સમયે સીઆરપીએફ-196 બટાલિયનના સૈનિકો એરિયા ડોમિનેશન પર હતા. તેમજ UBGL સેલ બ્લાસ્ટને કારણે એક સૈનિક ઘાયલ થયો હતો. ઘાયલ સૈનિકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

102 બેઠકો પર મતદાન
19 એપ્રિલે પ્રથમ તબક્કા માટે કુલ 102 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને અહીં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. બૂથ પર સુરક્ષા દળોની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. આ દરમિયાન કૂચ બિહારના ચાંદમારીમાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી. તેમજ આ પથ્થરમારો ટીએમસીના કાર્યકરો દ્વારા થયો હોવાની પણ સંભાવનાઓ જાહેર કરવામાં આવી હતી.

પીએમ મોદીએ કરી વોટ કરવાની અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોક સભા ચૂંટણીમાં દેશના તમામ નાગરિકોને મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું, ‘લોકશાહીનો સૌથી મોટો તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન થશે.

હું આ તમામ બેઠકોના મતદારોને વિનંતી કરું છું કે તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા મારા યુવા મિત્રોને મારી ખાસ અપીલ છે કે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે. લોકશાહીમાં, દરેક મત કિંમતી છે અને દરેક અવાજ મહત્વપૂર્ણ છે!

Most Popular

To Top