SURAT

હિન્દુ યંત્રો પર નાણાં લગાડી નસીબ ચમકાવવાનું સુરતમાં ચાલતું ધતિંગ ખુલ્લું પડ્યું

સુરત: કતારગામ બંબાવાડી એપલ બિલ્ડિંગની સામે આવેલી દુકાનમાં એચ.એસ.માર્કેટીંગ પ્રા.લીની ફ્રેન્ચાઈઝીની આડમાં યંત્રો ઉપર ઓનલાઈન ચાલતી જુગારની કલબ ઉપર પીસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે હિંન્દુ યંત્રોની ઉપાસનાના નામે ચાલતો લાખ્ખો રૂપિયાનો જુગારનો શટ્ટો કાપોદ્રા પછી કતારગામ ખાતે ખુલ્લો કર્યો છે.

  • કતારગામમાં હિન્દુ યંત્રો પર જુગાર રમાડવાનું પૂરજોશમાં ચાલતું રેકેટ: પીસીબીની રેઈડ
  • જુગારની એજન્સી ખરીદો અને રાહુ યંત્ર ,શ્રી યંત્ર, વશીકરણ યંત્ર, સુદર્શન યંત્ર, શિવ યંત્ર સહિત અન્ય ચાલીસ યંત્રો પર નાણાં લગાવો અને હજારોની કમાણી કરો
  • પીસીબી પોલીસે ૧૦ જુગારીઓ પાસેથી રોકડ રકમ, યંત્ર મશીન, કોમ્પ્યુટર સહિત કુલ રૂપિયા ૨.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • કતારગામ પોલીસને લાખોના સેકશન મળતા આખરે પીસીબીએ કાર્યવાહી કરવી પડી

રાહુ યંત્ર , નક્ષત્ર યંત્ર , શ્રી યંત્ર , વશીકરણ , સુદર્શન યંત્ર , વાસ્તુ યંત્ર , પ્લેનેટ યંત્ર , લવ યંત્ર, તારા યંત્ર, ગ્રહ યંત્ર , મતસ્ય યંત્ર કોઇ પણ યંત્ર પર નાણાં લગાડવાના અને પાંચ મિનીટ પછી તમે જે યંત્ર ધાર્યું હોય તે યંત્ર કમ્પ્યૂટર પર ફલેશ કરે તો રમનારાઓને દસથી વીસ ગણા નાણા સામે આપવામાં આવે છે.

મળતી માહિતી મુજબ કતારગામમાં અનેક લોકો કલબમાં રમી રહ્યાં હોવાની પીસીબીને માહિતી મળી હતી. એચ.એસ. માર્કેટીંગની આડમાં આ ગોરખધંધો ચાલી રહ્યો હતો અને તેના કારણે આસપાસના રહીશો હેરાન થઇ જતા હોવાથી આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે પીઆઇ રાજેન્દ્ર સુવેરાએ આ આખું ઓપરેશન પીસીબીના સ્ટાફની મદદથી પાર પાડયું હતું. આવા જુગારધામ ચલાવવા માટે કતારગામ પોલીસને લાખ્ખો રૂપિયાનું સેકશન મળી રહ્યું હોવાના આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા છે.

જુગારની એજન્સીઓ વેચવામાં આવી
પોલીસને મળેલી બાતમીના આધારે કતારગામ શ્યામ માર્બલની ગલી બંબાવાડી એપલ બિલ્ડિંગની સામે જલારામ ખીચડીની પાછળ આવેલી દુકાનમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં સહદેવસિંહ મનુભા સિંઘવ અને યુવરાજ દ્વારા એચ.એસ.માર્કેટીંગ પ્રા.લી ની ફ્રેન્ચાઈઝની આડમાં ઓપરેટરો રાખી પોતાના આર્થિક લાભ માટે બહારથી ગ્રાબલો બોલાવી તેમની પાસે યંત્રના નામે દર પાંચ મિનિટે ઓનલાઈન યંત્ર વિજેતા જાહેર કરી લગાવેલી રકમની સામે નવ ગણી રકમ ચુકવાતી હતી.

વિજેતા સિવાયના ગ્રાહકો પાસેથી રોકડ રકમ મેળવી નસીબ આધારિત યંત્રનો ઓનલાઈન હારજીતની જુગાર કબલ ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન સહદેવ મનુભા આ યંત્રોની આડમાં જુગાર રમાડીને તેની એજન્સીઓ બનાવીને પણ લોકોને વેચી હોવાની વિગતો જાણવા મળી છે. પીસીબી દ્વારા આ એજન્સી આખા ગુજરાતમાં અને સુરતમાં કયાં વેચાઇ છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

જુગાર કલબમાંથી શું પકડાયું
પીસીબીએ જુગારની કલબમાંથી રોકડા ૪૦,૩૫૦, યંત્રના મશીન, કોમ્પ્યુટર સીસ્ટમ, કાર્ડ સ્કેનર, સીક્કાનું મશીન, મોબાઈલ નંગ-૮, અલગ અલગ યંત્રના કાર્ડ નંગ-૧૮, ચાંદીના ધાતુના સિક્કા નંગ-૨૭, ઍજન્સી કરાર અને બે બાઈક મળી કુલ રૂપિયા ૨,૩૩,૨૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પીસીબીએ ૧૦ જુગારીઓની ધરપકડ કરી કલબ ચલાવનાર સહદેવસિંહ અને યુવરાજને વોન્ટેડ બતાવ્યા હતા.

પોલીસના હાથે ઝડપાયેલા જુગારીઓની યાદી

  • અર્જૂનસિંહ ઘનશ્યામસિંહ મોરી (ઉ..૨૫, રહે., ડાયમંડ બિલ્ડિંગ, ઉમીયા મંદિર રોડ, વરાછા)
  • નરેશ જયંતી પરમાર (રહે.,બંબાવાડી એપલ બિલ્ડિંગની સામે દુકાનમાં)
  • કાંતી રમજી નાગર (રહે., કુષ્ણનગર સોસાયટી, અમરોલી)
  • અશ્વીન સધન સાવલીયા (રહે.,ગોપીનાથ સોસાયટી, કતારગામ)
  • ભરતકુમાર જાધારામ ઘોંચી (રહે.,સત્યમનગર સોસાયટી, કોઝવે રોડ)
  • અનીલ જીવા પરમાર (રહે., કતારગામ)
  • શરવન લુનારામ ગોહીલ (રહે., રામદેવ એપાર્ટમેન્ટ, તાડવાડી)
  • હિમાલય રામબહાદુર થાપા(રહે., કોહીનુર સોસાયટી, વરાછા)

Most Popular

To Top