SURAT

સુરતના આ માર્કેટમાં કાર્બાઈડથી કેરી પકવતા વેપારીઓ પર દરોડા, 56ને નોટીસ

સુરત: ઉનાળો શરૂ થતાં જ ફળોના રાજા કેરીનું આગમન બજારોમાં થઈ ચૂક્યું છે. સૌરાષ્ટ્ર, ધરમપુરથી શહેરમાં કેરી ઠલવાવા માંડી છે. એપીએમસી સહિતની માર્કેટમાં કેરીના વેપારીઓએ કેરીનો સ્ટોક કરવા માંડ્યો છે. આ કેરી ખાવાલાયક છે કે કેમ? અને વેપારીઓ કેરી પકવવા માટે કોઈ બિનઆરોગ્યપ્રદ પદ્ધતિનો ઉપયોગ તો કરી રહ્યાં છે કે કેમ? તે તપાસવાના હેતુથી આજે સુરત મનપાના આરોગ્ય વિભાગ અને ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી.

આજે તા. 20 એપ્રિલની સવારે સુરત મનપાના આરોગ્ય વિભાગ અને ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ સહરા દરવાજા એપીએમસી માર્કેટની બાજુમાં આવેલી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડ્યા હતા. ફૂડ સેફ્ટી ઈન્સ્પેક્ટર ડી.કે. પટેલે કહ્યું કે, કેરીની સિઝન શરૂ થઈ છે ત્યારે કોઈ વેપારીઓ કાર્બાઈડનો ઉપયોગ કરી કેરી પકવી રહ્યાં હોય તો તેઓ સામે કાર્યવાહી કરવાના હેતુથી આ કાર્યવાહી કરાઈ હતી.

પટેલે વધુમાં કહ્યું કે, આજે સવારે મહાત્મા ગાંધી ફ્રુટ માર્કેટની 70 સંસ્થાઓ પર તપાસ કાર્યવાહી કરવામાં આવી હતી. વેપારીઓ પાસેથી કાર્બાઈડ પાઉડર મળી આવ્યો નથી. પરંતુ કેટલાંક વેપારીઓ પાસે લાયસન્સ નહોતું, તો ક્યાંક સ્વચ્છતાનો અભાવ હતો. આવા 56 વેપારીઓને નોટીસ ફટકારી રૂપિયા 26,000નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે. બગડી ગયેલા 270 કિલો ફળોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો આ કામગીરી આગામી દિવસોમાં ચાલુ રહેશે એમ અધિકારીએ ઉમેર્યું હતું.

ઉલ્લેખની છે કે, છેલ્લાં એકાદ મહિનાથી શહેરમાં ડુપ્લીકેટ ઘી, બટર, પનીર, તેલ તેમજ બિનઆરોગ્યપ્રદ બરફના ગોળા મળવાના અનેક કિસ્સા સામે આવ્યા છે, જેના લીધે શહેરનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. સુરત મનપાના આરોગ્ય તંત્ર અને ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે તપાસ કાર્યવાહી વધારી દીધી છે.

Most Popular

To Top