Dakshin Gujarat

નવસારી APMCમાં 490 મણ કેરીનું આગમન, કેસર અને હાફૂસ કેરીના આટલા ભાવ બોલાયા

નવસારી: (Navsari) નવસારી એપીએમસીમાં (APMC) 490 મણ કેરીનું આગમન થતા કેરી વેચાણના શ્રીગણેશ થયા છે. જેમાં પહેલા દિવસે જ કેસર કેરીનો (Mango) ભાવ 1300 થી 2400 સુધી, હાફૂસ કેરીનો 1900 સુધી જ્યારે દેશી કેરીનો 1200 સુધી ભાવ બોલાયા હતા.

  • નવસારી એપીએમસીમાં કેરીનું આગમન, વેચાણના શ્રીગણેશ
  • એપીએમસીમાં 490 મણ કેરીનું આગમન થતા કેસર કેરીનો ભાવ 1300 થી 2400 સુધી
  • દેશી કેરી 1200 અને હાફૂસ કેરીનો 1900 સુધી ભાવ બોલાયો

નવસારી જિલ્લામાં ખેડૂતો કેરી અને ચીકુના પાક ઉપર આધાર રાખે છે. હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે. ત્યારે ખેડૂતો કેરીનો પાક સારો મળે તે આખું વર્ષ પાકની કાળજી લઈ દેખરેખ રાખતા હતા. જોકે આ વર્ષે શિયાળો મહદઅંશે કેરીના પાકને માફક રહ્યો હતો. પરંતુ ઉનાળો શરુ થતા જ વાતાવરણમાં ઘણા પલટાઓ આવ્યા હતા. જેના કારણે કેરીનું ખરણ વધી ગયું હતું. જેથી ખેડૂતોએ માથે હાથ મૂકી રડવાનો વારો આવ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં કેરીના માફક વાતાવરણ રહે તો કેરી બજારમાં વેચાણ અર્થે જાય તે માટે મહેનત કરી રહ્યા હતા. તો બીજી તરફ કેરી રસિયાઓ પણ કેરીનું બજારમાં આગમન થાય તેની રાહ જોઈ બેઠા હતા.

જોકે હવે ખેડૂતોની મહેનત રંગ લાવી છે. તેમજ કેરી રસિયાઓની રાહ જોવાનો અંત આવ્યો છે. નવસારી એપીએમસી માર્કેટમાં પહેલા જ દિવસે 490 મણ કેરીનું આગમન થયું હતું. જેથી કેરી રસિયાઓ કેરી ખરીદવા માટે ઉમટી પડતા કેરી વેચાણના શ્રીગણેશ થયા છે. પહેલા દિવસે કેસર કેરીનો ભાવ 1300 થી 2400 સુધી બોલાયો હતો. જ્યારે હાફૂસ કેરીનો ભાવ 1900 જેટલો અને દેશી કેરીનો ભાવ 1200 જેટલો બોલાયો હતો. જોકે હાલમાં કેરીનો પાક ઓછો હોવાથી કેરીનો ભાવ વધુ હોવાનું જાણવા મળ્યું હતું.

માફક વાતાવરણ મળી રહેશે તો કેરીનો પાક વધુ સારો થશે
આગામી દિવસોમાં કેરીના પાકને માફક વાતાવરણ મળી રહેશે તો કેરીનો પાક વધુ સારો થશે અને વધુમાં વધુ કરી બજારમાં વેચાણ અર્થે આવશે. જેથી કેરીનો ભાવ પણ ઓછો થાય તેવી શક્યતા છે. જેથી કેરી રસિયાઓ માટે સારુ રહેશે. તેમજ ખેડૂતોને તેમના પાકના પૂરતા પૈસા મળી રહેશે તો તેમને ખોટ જશે નહી.

Most Popular

To Top