National

કોલકાતા હાઈકોર્ટે 2016ની શાળાની ભરતી રદ કરી, 25000 શિક્ષકો બેરોજગાર બન્યા

કોલકાતા: શિક્ષક ભરતી કૌભાંડ (Teacher recruitment scam) કેસમાં પશ્ચિમ બંગાળની (West Bengal) મમતા બેનર્જી (Mamata Banerjee) સરકારને કોલકાતા હાઈકોર્ટ (Kolkata High Court) તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ પેનલ દ્વારા કરવામાં આવેલી શાળા શિક્ષકની ભરતીને રદ કરી હતો. હાઈકોર્ટે 2016ની આખી જોબ પેનલને રદ કરી હતી અને હાઈકોર્ટ દ્વારા લગભગ 24 હજાર નોકરીઓ રદ કરવામાં આવી હતી. આ ભરતીમાં 5 થી 15 લાખની લાંચ લેવાના આક્ષેપો થયા હતા.

લોકસભા ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારને સોમવારે 22 એપ્રિલના રોજ કલકત્તા હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા સરકારે તેમની સરકારી અને અર્ધ સરકારી શાળાઓમાં 2016માં રાજ્ય-સ્તરની પરિક્ષા દ્વારા ભરતી કરી હતી. હવે આ ભર્તી કરાયેલા શિક્ષણ અને બિન-શિક્ષણ કર્મચારીઓની તમામ નિમણૂંકોને હાઇકોર્ટે રદ કરી હતી. કોર્ટના આ નિર્ણયને કારણે રાજ્યમાં 25 હજારથી વધુ શિક્ષકોએ તેમની નોકરી ગુમાવી હતી.

વાસ્તવમાં આ કૌભાંડ સંબંધિત તમામ કેસોની સુનાવણી 20 માર્ચે પૂર્ણ થઈ હતી અને ડિવિઝનલ બેન્ચે ચુકાદો અનામત રાખ્યો હતો. હવે લગભગ એક મહિના પછી, જસ્ટિસ દેબાંગસુ બસાક અને જસ્ટિસ મોહમ્મદ શબ્બર રશીદીની ડિવિઝન બેન્ચે આ કૌભાંડને લગતી અનેક અરજીઓ અને અપીલો પર પોતાનો ચુકાદો આપ્યો.

જણાવી દઈએ કે હાલ કોલકાતા ભરતી કૌભાંડમાં પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી અને તૃણમૂલના ઘણા અધિકારીઓ તેમજ રાજ્ય શિક્ષણ વિભાગના ઘણા અધિકારીઓ જેલના સળિયા પાછળ છે. કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ ED અને CBI બંને કથિત અનિયમિતતાઓની તપાસ કરી રહ્યા છે.

2014માં કૌભાંડ થયું હતું
આ કૌભાંડ 2014નું છે. ત્યારે પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ (એસએસસી) એ પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી હતી. આ ભરતી પ્રક્રિયા 2016માં શરૂ થઈ હતી. તે સમયે પાર્થ ચેટર્જી શિક્ષણ મંત્રી હતા. તેમજ કોલકાતા હાઈકોર્ટમાં આ મામલે અનિયમિતતાની ઘણી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.

TETમાં ફેલ ઉમેદવારોને પણ મળી હતી નોકરી
અરજદારોએ આક્ષેપ કર્યો હતો કે જે ઉમેદવારોના માર્ક્સ ઓછા હતા તેઓને મેરિટ લિસ્ટમાં ઉંચો ક્રમ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં કેટલીક એવી ફરિયાદો પણ સામે આવી હતી જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે કેટલાક ઉમેદવારોના નામ મેરિટ લિસ્ટમાં ન હોવા છતાં તેમને નોકરી આપવામાં આવી હતી.

અરજદારોએ દાવો કર્યો હતો કે કેટલાક ઉમેદવારોને નોકરી આપવામાં આવી હતી જેમણે TET પરીક્ષા પણ પાસ કરી નથી. જ્યારે રાજ્યમાં શિક્ષકની ભરતી માટે TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. તેવી જ રીતે 2016માં પણ રાજ્યમાં SSC દ્વારા ગ્રુપ Dની 13000 ભરતી અંગે ફરિયાદો મળી હતી.

આ તમામ અરજીઓ પર સુનાવણી કરતા હાઈકોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા. આ પછી EDએ શિક્ષકોની ભરતી અને સ્ટાફની ભરતીના મામલામાં મની ટ્રેલની પણ તપાસ શરૂ કરી હતી.

Most Popular

To Top