SURAT

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસની તપાસ માટે મુંબઈ પોલીસ સુરત આવી, આ છે કનેક્શન…

સુરત(Surat): થોડા દિવસ પહેલાં બોલિવુડના (Bollywood) સુપર સ્ટાર સલમાન ખાનના (SalmanKhan) મુંબઈ સ્થિત ઘર પર ફાયરિંગની (Fairing) ઘટના બની હતી. આ કેસમાં મુંબઈ પોલીસે (Mumbai Police) ગુજરાતના (Gujarat) કચ્છમાંથી (Kutch) બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. હવે આ કેસમાં મુંબઈ પોલીસ સુરતમાં તપાસ માટે આવી પહોંચી છે. સલમાન ખાન પર ફાયરિંગ કેસમાં સુરતનું શું કનેક્શન છે?, ચાલો જાણીએ..

ખરેખર વાત એમ છે કે, થોડા દિવસ અગાઉ સલમાન ખાનના ઘર પર મળસ્કે ફાયરિંગ કરી બે આરોપીઓ ભાગી છૂટ્યા હતા. તેઓ ગુજરાત તરફ ભાગ્યા હતા. આ આરોપીઓ કચ્છમાંથી પકડાયા હતા, પરંતુ આરોપીઓએ ભાગતી વખતે ફાયરિંગમાં ઉપયોગમાં લીધેલી ગન સુરતની તાપી નદીમાં (Tapi River) ફેંકી દીધી હતી.

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરીને આરોપીઓ ટ્રેનમાં બેસી ગુજરાત તરફ ભાગ્યા હતાં. ટ્રેન સુરતની તાપી નદી પર પસાર થઈ ત્યારે અશ્વિનીકુમારના લોખંડના રેલવે બ્રિજ પરથી આરોપીઓએ રિવોલ્વર તાપી નદીમાં ફેકીં દીધી હતી. આરોપીઓએ આ કેફિયત ભૂજથી પકડાયા બાદ પોલીસ સમક્ષ રજૂ કરી હતી. જેથી મુંબઈની ક્રાઈમ બ્રાંચની ટીમ સુરત આવી પહોંચી હતી.

આ રિવોલ્વર શોધવા માટે આજે તા. 22 એપ્રિલને સવારથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સુરત આવી પહોંચી છે. આ ટીમમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ સામેલ છે. તાપી નદીમાં રિવોલ્વર શોધવાની કામગીરી ચાલી રહી છે. સુરતની તાપી નદીમાંથી રિવોલ્વર શોધવા માટે તરવૈયાઓને ઉતારવામાં આવ્યાં છે.

બંને આરોપીઓને પણ સુરત લાવવામાં આવ્યા
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસની તપાસ દયા નાયકના નેતૃત્વમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. આજે દયા નાયક સહિત મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો પોલીસ કાફલો બંને આરોપીઓને લઈ સુરત આવ્યો છે. વહેલી સવારથી આરોપીઓને સાથે રાખી બ્રિજ પરથી તાપી નદીમાં કેવી રીતે રિવોલ્વર ફેંકી તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાઈ રહ્યું છે. તરવૈયાઓને પાણીમાં ઉતારી રિવોલ્વર શોધવા પ્રયાસ કરાઈ રહ્યો છે.

Most Popular

To Top