Dakshin Gujarat

લોકસભાની ચૂંટણીમાં દમણ-દીવની બેઠક પર બે સરખા નામના ઉમેદવાર, મતદારોની મૂંઝવણ

દમણ: (Daman) સંઘપ્રદેશ દમણ-દીવની લોકસભાની બેઠક પર 7 મે ના રોજ થનારી ચૂંટણી (Election) ઘણી રસપ્રદ સાબિત થશે કારણકે, આ ચૂંટણીમાં અપક્ષથી ઉમેદવારી કરનાર બે સરખા નામના ઉમેદવારો હોવાને લઈ મતદારો મુંઝવણમાં મુકાશે એવી શક્યતા વર્તાય રહી છે.

  • દમણ-દીવની બેઠક પરથી કુલ 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
  • ફોર્મની સ્ક્રુટીનીમાં તમામ ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા

શુક્રવારના રોજ દમણ દીવ લોકસભાની બેઠક માટે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોવાને લઈ આ દિવસે કુલ 5 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કોંગ્રેસ પાર્ટી તરફથી કેતન ડાહ્યાભાઈ પટેલ, નાની દમણમાં રહેતા અપક્ષ ઉમેદવાર શકીલ લતીફ ખાન, દલવાડા પ્રકાશ ફળિયામાં રહેતા નવસર્જન ભારત પાર્ટીના ઉમેદવાર ઉમેશકુમાર ઉત્તમભાઈ પટેલ, મોટી દમણમાં રહેતા અપક્ષ ઉમેદવાર ઈદ્રીશ જી. મુલ્લા તથા વાપીના બોડી ફળિયામાં રહેતા અપક્ષ ઉમેદવાર ઉમેશ બાબુભાઈ પટેલ દ્વારા ઉમેદવારી નોંધાવી હતી.

જ્યારે આ પહેલા કચીગામમાં રહેતા ભાજપા પાર્ટીના ઉમેદવાર લાલુભાઈ પટેલ, તેમની ધર્મપત્ની તરૂણાબેન પટેલ તથા દલવાડામાં રહેતા અપક્ષ ઉમેદવાર ઉમેશ બાબુભાઈ પટેલે અગાઉ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી હતી. આમ કુલ 8 ઉમેદવારોએ દમણ-દીવની લોકસભાની બેઠક પર પોતાની ઉમેદવારી ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવી હતી. ત્યારે શનિવારના રોજ તમામ ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારીના ફોર્મની ચકાસણી (સ્ક્રૂટીની) નું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી બાદ કોઈ ક્ષતિ નહીં દેખાતા આઠેય ઉમેદવારો મંજુર થવા પામ્યા હતા. ત્યારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ હોય ત્યારે આ તારીખ સુધી 8 પૈકી કેટલા ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચે છે એ બાદ જ આ વખતની લોકસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થવા પામશે.

દમણ અને વાપીના ઉમેદવારના નામ એક સરખા
દમણ-દીવની થનારી ચૂંટણી બાબતે એક રસપ્રદ વાત એ બહાર આવે છે કે, આ ચૂંટણીમાં દલવાડા ગામમાં રહેતા ઉમેશ બાબુભાઈ પટેલે અપક્ષથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. વાપીના બોરડી ફળિયામાં રહેતા ઉમેશ બાબુભાઈ પટેલે પણ દમણ-દીવની બેઠક પર અપક્ષથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. જ્યારે દલવાડા ગામના પ્રકાશ ફળિયામાં રહેતા ઉમેશકુમાર ઉત્તમ પટેલે પણ નવસર્જન ભારત પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હોય.. ત્યારે દમણના અને વાપીના ઉમેદવાર જેમના નામ એક સરખા હોવાને કારણે મતદારોની મૂંઝવણમાં વધારો થશે એવી શક્યતા નામના આધારે વર્તાય રહી છે. આ સાથે જ ચૂંટણી ચિન્હ અંગે પણ મુંઝવણ વધશે. તેની સૌથી વધુ અસર દીવમાં જોવા મળશે એવી શક્યતા હાલ વર્તાય રહી છે.

Most Popular

To Top