SURAT

પાટીદાર આંદોલન સમિતિના 200 કાર્યકરો ભાજપમાં જોડાશે, સરથાણાની ગુપ્ત બેઠકમાં લેવાયો નિર્ણય

સુરત: એક તરફ સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ વિજેતા જાહેર થયા છે અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય તેવી ચર્ચા ઉપડી છે ત્યારે બીજી તરફ ગઈકાલે તા. 22 એપ્રિલની રાત્રે સરથાણાના ફાર્મ હાઉસમાં પાટીદાર આંદોલન સમિતિ (પાસ)ની એક ખાનગી મિટિંગ મળી હતી. આ મિટિંગમાં ચોંકાવનારો નિર્ણય લેવાયો છે.

અનામતની માંગણી અને ભાજપ સરકાર સામે વિરોધ કરવા જે સમિતિનું ગઠન થયું હતું તે પાટીદાર આંદોલન સમિતિ એટલે કે પાસના સુરતના કાર્યકરોની એક મિટિંગ ગઈકાલે તા. 22 એપ્રિલના રોજ સરથાણા ખાતે આવેલા ગુરુદેવ ફાર્મ હાઉસમાં ગુપ્ત બેઠક મળી હતી. આ બેઠકનું આમંત્રણ પાસના અલ્પેશ કથિરીયા દ્વારા કરાયું હતું.

મોડી રાત્રે મળેલી આ બેઠકમાં પાસના 200થી વધુ કાર્યકરો સામેલ થયા હતા. બેઠકની આગેવાની અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ કરી હતી. અલ્પેશ અને ધાર્મિકે પાસના કાર્યકરોને ભાજપમાં જોડાવા માટેનો પ્રસ્તાવ મુક્યો હતો. 200 પૈકી 150 કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરી ભાજપમાં સામેલ થવા તૈયારી બતાવી હતી. અન્ય 50 કાર્યકરો ખેસ નહીં પેહરે પરંતુ અલ્પેશ અને ધાર્મિક સાથે જ છે તેમ કહ્યું હતું.

તમને જણાવી દઈએ કે, અનામતની માંગણી સાથે ભાજપ સરકાર સામે પાટીદાર આંદોલન છેડાયું ત્યારે પાસ એટલે કે પાટીદાર આંદોલન સમિતિનું ગઠન થયુંં હતું. સુરતમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પાસના મુખ્ય કાર્યકર્તા હતા. સમય જતાં કોંગ્રેસ અને બાદમાં આપમાં તેઓ જોડાયા હતા. વરાછા, સૌરાષ્ટ્રમાં પાસનું સારું પ્રભુત્વ હતું. સરકાર સામે વિરોધ પક્ષો ચૂંટણી સમયે પાસનો ઉપયોગ કરતા હતા. જોકે, હવે પાસના 200 કાર્યકરો ભાજપમાં જોડાઈ જવાના અહેવાલ આવ્યા છે, તે જોતાં આગામી ચૂંટણીઓમાં મજબૂત વિરોધ પક્ષ જ નહીં રહે તેવું ચિત્ર ઉભું થાય તો નવાઈ નહીં.

Most Popular

To Top