Dakshin Gujarat

ડાંગ જિલ્લાના ગામડાઓમાં કમોસમી વરસાદ, લોકોને ગરમીથી મળી રાહત

સાપુતારા: (Saputara) રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ક્યારેક અસહ્ય ગરમી (Hot) તો ક્યારેક અસહ્ય ઉકળાટ તો ક્યારેક કમોસમી માવઠું (Rain) વર્તાતા જનજીવન હેરાન પરેશાન થઈ રહ્યુ છે. રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાના ગામડાઓમાં ક્યારેક અસહ્ય ગરમી તો ક્યારેક આંશિક ગરમી નોંધાઈ રહી છે. તેવામાં ડાંગ જિલ્લાના ગામડાઓમાં સોમવારે વહેલી સવારે છૂટક કમોસમી વરસાદ પડ્યો હતો.

  • ડાંગ જિલ્લાના ગામડાઓમાં કમોસમી વરસાદ
  • જિલ્લામાં માવઠાનાં પગલે ફળફળાદી, પાકને જંગી નુકસાન થવાની ભીતિ વર્તાઈ
  • સાપુતારામાં 34, વઘઇમાં 37, સુબિર- આહવામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયુ

ગત અઠવાડિયામાં ડાંગ જિલ્લાના ગામડાઓમાં ગરમીનો પારો 44 ડિગ્રી સેલ્શિયસ પર પહોચી ગયો હતો. હાલમાં ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં 44 ડિગ્રીથી ઘટીને 38 ડિગ્રી સેલ્શિયસ પર તાપમાન પહોચતા લોકોએ આંશિક રાહત મેળવી છે. ડાંગ જિલ્લાના ગામડાઓમાં સોમવારે વહેલી સવારે છૂટક કમોસમી વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લામાં સવારના અરસામાં કમોસમી વરસાદ પડતા સમગ્ર પંથકોનાં વાતાવરણમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી.

સોમવારે ડાંગ જિલ્લાના શામગહાન પંથકમાં 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, સાપુતારા પંથકમાં 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, વઘઇ પંથકમાં 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, સુબિર અને આહવા પંથકમાં 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોધાયુ હતુ. ગિરિમથક સાપુતારા અને શામગહાન પંથકમાં 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા ફરવા આવેલા પ્રવાસીઓએ રાહત મેળવી હતી. ડાંગ જિલ્લામાં કમોસમી માવઠાનાં પગલે ફળફળાદી પાકોને જંગી નુકસાન થવાની ભીતિ વર્તાઈ છે. ડાંગ જિલ્લામાં દ્વિભાસી ઋતુચક્રનાં પગલે ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે.

મહુડાના વૃક્ષો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન
વાંસદા : મહુડાના વૃક્ષો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન છે. માર્ચ મહિનામાં મહુડો સોળે કલાએ ખીલી ઉઠે છે, તેથી જ તમામ કવિઓ લેખકો એને સોનાનું વૃક્ષ કહે છે. મહુડાના વૃક્ષ પર આ સમયે મહુડાના ફૂલ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. અને મહુડા લાગે છે. આ મહુડાનો ઉપયોગ ઔષધિ તરીકે, વિવિધ દવાઓ બનાવવા, દેશી દારૂ બનાવવા તથા આરોગ્ય વર્ધક તરીકે થાય છે. શિયાળામાં મહુડાનું ગોળ સાથે સેવન કરવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે. ઉનાળામાં મહુડાના વૃક્ષ પર ડોળી નામનું ફળ લાગે છે. આ ડોળીને ફોડીને એને સુકવવામાં આવે છે ત્યારબાદ એનું પિલાણ કરવામાં આવે છે. આ ડોળીમાંથી તેલ પ્રાપ્ત થાય છે. જે આરોગ્ય માટે પણ ખૂબ જ સારું હોય છે. આદિવાસીઓ મોટે ભાગે પોતાની રસોઈ બનાવવા આ જ તેલનો ઉપયોગ કરે છે. આદિવાસીઓ મહુડા વીણીને એનું વેચાણ પણ કરતા હોય છે. જેમાંથી એમને જીવન નિર્વાહ કરવા માટે આવક પ્રાપ્ત થાય છે. તેથી આદિવાસીઓ માટે મહુડાનું વૃક્ષ જીવાદોરી સમાન છે.

Most Popular

To Top