National

‘છાપામાં મોટી સાઇઝમાં જાહેરાત આપી માફી માંગો’, SCનો બાબા રામદેવને ઠપકો

નવી દિલ્હી: પતંજલિ (Patanjali) દ્વારા કરવામાં આવેલ આયુર્વેદની ભ્રામક જાહેરાતના કેસમાં આજે મંગળવારે 23 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેમજ આ કેસની સુનાવણી માટે યોગ ગુરુ બાબા રામદેવ (Baba Ramdev) અને તેમના શિષ્ય આચાર્ય બાલકૃષ્ણ સુપ્રીમ કોર્ટ (SC) પહોંચ્યા હતા.

સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત પર સુનાવણી દરમિયાન રામદેવને કોર્ટની અવમાનના માટે ઠપકો આપ્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સીધા ઘણા સવાલો પૂછ્યા અને પતંજલિ દ્વારા અખબારોમાં છપાયેલી જાહેરાત પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે છાપામાં જાહેરાતોને મોટી સાઇઝમાં છપાવવા કહ્યું હતું. હવે આ કેસની ફરી સુનાવણી 30 એપ્રિલે થશે અને આ સુનાવણી દરમિયાન પણ સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

પતંજલિએ માફીપત્રમાં શું કહ્યું?
બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ તરફથી આ માફી એવા સમયે આવી છે જ્યારે સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતો માટે રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને ફટકાર લગાવી હતી. માફીનામામાં કહેવામાં આવ્યું હતું કે, “પતંજલિ આયુર્વેદ માનનીય સર્વોચ્ચ અદાલતની ગરિમાનું સંપૂર્ણ સન્માન કરે છે. અમારા વકીલો દ્વારા સર્વોચ્ચ અદાલતમાં નિવેદન આપ્યા પછી પણ અમે જાહેરાત પ્રકાશિત કરવાની અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવાની ભૂલ માટે દીલગીર માફી માંગીએ છીએ.”

માફીપત્રમાં વધુમાં પંજલિએ જણાવ્યું હતું કે, “અમે અમારી પ્રતિબદ્ધતા (ફરજ) વ્યક્ત કરીએ છીએ કે ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય. અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે બંધારણ અને માનનીય સુપ્રીમ કોર્ટની ગરિમા જાળવવા માટે પ્રતિબદ્ધ રહીશું.”

તેમજ પતંજલિનું આ જાહેર માફીનામું 67 અખબારોમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જેમાં પતંજલિ આયુર્વેદે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે તે કોર્ટ અને બંધારણની ગરિમા જાળવવા માટેની તેમની ફરજ ઉપર અડગ છે. આ સાથે જ જાહેર માફીમાં બાબા રામદેવે પોતાના વકીલો દ્વારા કોર્ટમાં નિવેદન આપ્યા બાદ પણ પતંજલિની જાહેરાત પ્રકાશિત કરવા અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવા બદલ માફી માંગી હતી.

IMAએ પતંજિલ વિરુદ્ધ અરજી કરી હતી
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ પતંજલિ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે કંપનીએ આધુનિક દવા અને કોવિડ-19 રસી વિરુદ્ધ પ્રચાર કર્યો છે.

ત્યાર બાદ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુધ્ધ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેમજ છેલ્લી સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે યોગના ક્ષેત્રમાં રામદેવના યોગદાનને સ્વીકાર્યું હતું અને કહ્યું હતું કે તેઓ અને આચાર્ય બાલકૃષ્ણ તપાસ હેઠળ રહેશે. તેમજ બંનેને તેમની ભૂલ સુધારવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top