Gujarat

PM મોદીની સભાઓ શરૂ થાય તે પહેલા ક્ષત્રિયોને સમજાવટના પ્રયાસ તેજ, કમલમમાં બેઠક યોજાઈ

ગાંધીનગર: (Gandhinagar) પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં પ્રચાર શરૂ કરવામાં આવે તે પહેલા પ્રદેશ ભાજપની નેતાગીરી દ્વારા હવે ક્ષત્રિય સમાજને સમજાવવાના પ્રયાસો તેજ બનાવાયા છે. ખાસ કરીને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી તથા પ્રદેશ ભાજપના પ્રદેશ સંગઠ્ઠન મહામંત્રી રત્નાકર દ્વારા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર તથા ભાવનગરમાં મહત્વની બેઠકો કરવામાં આવી હતી. મંગળવારે સવારે ગાંધીનગરમાં કમલમ ખાતે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ, સંગઠ્ઠન મહામંત્રી રત્નાકર, ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી તથા પ્રદેશ મહામંત્રી રજની પટેલ સહિતના અગ્રણીઓએ મહત્વની બેઠક યોજી હતી. કમલમ ખાતે પાટીલ તથા સીએમ પટેલ દ્વારા ભાજપના પ્રચાર માટે ગીતો તથા ગુજરાતી ચૂંટણી સંકલ્પ પત્ર પણ જાહેર કરાયો હતો.

  • પીએમ મોદીની સભાઓ ચાલુ થાય તે પહેલા સમજાવટના પ્રયાસ તેજ બનાવાયા
  • સીએમ અને સીઆર.પાટીલ સહિતના ભાજપના ટોચના નેતાઓની બંધ બારણે કમલમમાં બેઠક યોજાઈ

આ બેઠકમાં પ્રદેશ ભાજપના ક્ષત્રિય આગેવાનોને સક્રિય કરીને તેઓને પ્રચાર દરમ્યાન નારાજ ક્ષત્રિય આંદોલનકારીઓને સમજાવવાના પ્રયાસો કરવાનું કહેવાયુ છે. હવે રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણી ચૂંટણી જંગ લડી રહ્યા છે. દેશી રજવાડા વિશે રૂપાલાએ કરેલી ટિપ્પણીના પગલે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજ નારાજ થયો છે એટલું જ નહીં રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગ કરી રહયો છે.

રૂપાલાએ બે હાથ જોડીને કહ્યું….
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ હવે પ્રચાર તેજ બનાવ્યો છે. મોરબી રવાપર ચોકડી પાસેની સભામાં રૂપાલાએ બે હાથ જોડીને નારાજગી ભૂલી જવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે , હું ક્ષત્રિય સમાજને અપીલ કરૂ છું કે નાની મોટી વાતને દર ગુજર કરીને પીએમ મોદીના હાથ મજબૂત કરવા સમર્થન આપી અને દેશને સમર્થ બનાવો. અગાઉ પણ બે વખત રૂપાલાએ પોતાની ટિપ્પણી બદલ ક્ષત્રિય સમાજની બે હાથ જોડીને માફી માંગી હતી એટલું જ નહીં મોટું મન રાખીને માફ કરવા અપીલ કરી હતી. મોરબીની સભામાં સ્ટેજ પર ભાજપના ક્ષત્રિય સમાજના સિનિયર અગ્રણીઓ તથા સભામાં ક્ષત્રિય સમાજના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top