Charotar

ચરોતરના ખેડૂતોને નકલી બિયારણથી સાવધાન રહેવા તાકીદ

માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ બિયારણ ખરીદી કરવાનો આગ્રહ રાખવો

લાયસન્સ ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી કયારેય પણ બિયારણની ખરીદી ન કરવા સુચન.

આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં ખેડૂતો આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતાં હોય છે. પરંતુ કેટલાક કિસ્સામાં બિયારણ નકલી નિકળતાં ખેડૂતોને આર્થીક નુકશાન વેઠવાનો વખત આવે છે. આથી, છેતરપિંડીથી બચવા માટે ખેડૂતોને લાયસન્સ ધારક પાસેથી જ બિયારણની ખરીદી કરવા અપીલ કરવામાં આવી છે.

આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઇએ. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલું હોય તેનું નામ, જાત, બિયારણનો વર્ગ, લોટ નંબર, ઉત્પાદન તારીખ અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદ્દત પૂરી થઈ નથી તથા બીલમાં જણાવેલ તમામ વિગતો બિયરાણની થેલી લખેલી છે કે નહી તે બાબતે ખાસ ચકાસણી કરવી. મુદ્દત પૂરી થયેલી હોય તેવાં બિયારણની ખરીદી ક્યારેય કરવી નહીં.

ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા 4જી અને 5જી જેવા જુદાં-જુદાં નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ-થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરુરી છે. ખાસ કરીને કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી કયારેય પણ બિયારણની ખરીદી કરવી નહી જેથી છેતરપીંડીથી બચી શકાય એમ નાયબ ખેતી નિયામક (વિ.) દ્વારા જણાવવામાં આવ્યુ છે.

Most Popular

To Top