Charotar

બોરસદના ગોરેલ ગામનો શખ્સ 3 કિલો ગાંજા સાથે પકડાયો

આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે દરોડો પાડી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો

(પ્રતિનિધિ) બોરસદ તા.23

બોરસદ તાલુકાના ગોરેલ ગામમાં રહેતો શખ્સ છેલ્લા કેટલાક સમયથી ગાંજાનો વેપાર કરતો હતો. આ અંગે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને બાતમી મળતાં તેના ઘરે દરોડો પાડી 3.920 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે, બોરસદના ગોરેલ ગામના ધર્મજ રોડની સીમમાં રહેતો મગન ઉર્ફે ભગત ડાહ્યા ઠાકોર પોતાના ઘર પાસે ઓસરીમાં ગાંજાનું વેચાણ કરે છે. હાલમાં તે તેના ઘર પાસે છે. આ બાતમી આધારે એસઓજીએ ટીમ બનાવી સોમવારની મોડી રાત્રે વિરસદ પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો. આ દરોડામાં મકાનના ઓસરીમાં શંકાસ્પદ વ્યક્તિ ખાટલામાં બેઠો હતો. જેની અટક કરી પુછતાં તે મગન ઉર્ફે ભગત ડાહ્યા ઠાકોર (રહે. ગોરેલ, બોરસદ) હોવાનું જણાવ્યું હતું. આ શખ્સના મકાનની ઝડતી તપાસ કરતાં ખાટલાના નીચે પ્લાસ્ટીકના મીણીયાની કોથળીમાં કંઇક ભરેલું જોવા મળ્યું હતું. આથી, પ્લાસ્ટીકના મીણીયાની કોથળી સાથે ખોલી જતાં વનસ્પતિજન્ય ગાંજા જણાયો હતો. આ અંગે એફએસએલ અધિકારીને જાણ કરતાં તેઓ સ્થળ પર પહોંચ્યાં હતાં. જરૂરી કાર્યવાહીના અંતે તેઓએ ગાંજો હોવાનું જણાવ્યું હતું. આથી, પોલીસે વજન કરતાં કુલ 3.920 કિલોગ્રામ થયું હતું. આ ગાંજાના જરૂરી નમુના લઇ પોલીસે મગન ઉર્ફે ભગત પાસેથી રોકડ રૂ.2410, મોબાઇલ, ગાંજો મળી કુલ રૂ.42,210નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે વિરસદ પોલીસે મગન ઉર્ફે ભગત ડાહ્યા ઠાકોર (રહે. ગોરેલ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કઠલાલમાં 5 કિલો પોષડોડા સાથે શખ્સ પકડાયો

ખેડા એસઓજીએ કઠલાલના રતનપુર ગામ ખાતે પોષડોડાના જથ્થા સાથે શખ્સને પકડી પાડ્યો હતો. ખેડા એસઓજીએ બાતમી આધારે રતનપુર ગામમાં દરોડો પાડ્યો હતો. જેમાં મોટી કોથળીમાં પોષડોડાનો ભુકાનો 5 કિલોગ્રામ કિંમત રૂ.15 હજાર સાથે શખ્સને પકડી પાડ્યો હતો. આ શખ્સની પુછપરછ કરતાં તે પ્રભાતસિંહ મોહન સોઢા પરમાર (રહે. દીપકનગર, મુંડેલ રતનપુર, કઠલાલ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી કુલ 20 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top