Business

હોર્લિક્સ હવે ‘હેલ્ધી ફૂડ ડ્રિંક’ નથી, સરકારના નિર્દેશ બાદ હિન્દુસ્તાન યુનિલિવરે કેટેગરીમાં ફેરફાર કર્યો

હોર્લિક્સ (Horlicks) હવે ‘હેલ્ધી ડ્રિંક’ (Healthy food drink) નથી રહ્યું. ભારત સરકારના આદેશ બાદ તેની પેરેન્ટ કંપની હિન્દુસ્તાન યુનિલિવરે કેટેગરીમાં ફેરફાર કર્યો છે અને તેમાંથી ‘હેલ્ધી’ લેબલ હટાવી દીધું છે. હવે તેની શ્રેણીનું નામ બદલીને ‘ફંક્શનલ ન્યુટ્રિશનલ ડ્રિંક્સ’ (FND) કરવામાં આવ્યું છે.

હોર્લિક્સ અને બૂસ્ટ જેવા પીણાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)ના ઉત્પાદનો છે. આ પહેલા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કંપનીઓને તેમના ઉત્પાદનોમાંથી હેલ્ધી ડ્રિંક કેટેગરીનું નામ હટાવવાની સૂચના આપી હતી ત્યારબાદ આ પગલું લેવામાં આવ્યું છે. 24 એપ્રિલના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન HUL ચીફ ફાયનાન્સિયલ ઓફિસર રિતેશ તિવારીએ જાહેરાત કરી હતી કે આ ફેરફાર અમારી પ્રોડક્ટ કેટેગરીમાં વધુ ચોકસાઇ અને પારદર્શિતા પ્રદાન કરશે.

ફૂડ ફાર્મર નામના સોશિયલ મીડિયા પ્રભાવકે લોકોનું ધ્યાન બોર્નવિટામાં ખાંડના ઉચ્ચ પ્રમાણ તરફ દોર્યું હતું. આ પછી નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ કંપનીઓએ તેમના ઉત્પાદનોની શ્રેણીમાં ફેરફાર કરવો પડ્યો. HUL અનુસાર ‘ફંક્શનલ ન્યુટ્રિશનલ ડ્રિંક્સ’ કેટેગરીનો હેતુ પ્રોટીન અને કેટલાક પોષક તત્વોની ઉણપની જરૂરિયાતોને પહોંચી વળવા માટે છે. FND ને કોઈપણ બિન-આલ્કોહોલિક પીણા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.

ફૂડ રેગ્યુલેટર સેરેલેકના નમૂનાઓ એકત્રિત કરી રહ્યું છે
બીજી તરફ નેસ્લેના બેબી ફૂડ ઉત્પાદનોમાં વધારાની ખાંડ હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ સરકારે તેની તપાસ શરૂ કરી છે. ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAIએ ગુરુવારે જણાવ્યું હતું કે તે નેસ્લેના સેરેલેક બેબી ફૂડના સેમ્પલ એકત્રિત કરી રહી છે. FSSAI CEO જી કમલા વર્ધન રાવે કહ્યું કે આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં 15-20 દિવસનો સમય લાગશે.

થોડા દિવસો પહેલા સ્વિટ્ઝર્લેન્ડના પબ્લિક આઇ અને ઇન્ટરનેશનલ બેબી ફૂડ એક્શન નેટવર્ક (IBFAN) એ તેમના અહેવાલમાં કહ્યું હતું કે નેસ્લે ભારત સહિત એશિયા અને આફ્રિકાના દેશોમાં વેચાતા બેબી મિલ્ક અને સેરેલેક જેવા ખાદ્ય ઉત્પાદનોમાં વધારાની ખાંડ અને મધ ઉમેરે છે.

Most Popular

To Top