Gujarat Main

ક્ષત્રિયોનું આંદોલન પાર્ટ-ટુ શરૂ, 7 અસ્મિતા રથ 26 લોકસભા મતવિસ્તારમાં ફરશે

રાજકોટ: ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી અપમાનજનક ટિપ્પણી મામલે છેલ્લાં એક મહિનાથી રાજ્યના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. રુપાલાની ઉમેદવારી રદ કરાવવાની માગણી સાથે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શનો કર્યા પરંતુ તેમ છતાં ભાજપે પરસોત્તમ રુપાલાની ઉમેદવારી રદ કરી નહોતી. હવે ક્ષત્રિયોએ બીજા તબક્કાના આંદોલન શરૂ કર્યું છે.

ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને છેલ્લા એક મહિનાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. રૂપાલા સામેના વિરોધમાં આજથી ક્ષત્રિયોએ બીજા તબક્કાનું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

રાજકોટ સહિત વિવિધ રાજ્યના અનેક શહેરોમાંથી આજે ક્ષત્રિયોએ 7 ક્ષત્રિય અસ્મિતા રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથને સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓની હાજરી સાથે જુદા-જુદા વિસ્તારોમાં રવાના કરવામાં આવ્યા હતા. આજે રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે આંદોલન સમિતિના આગેવાનો અમદાવાદથી આવ્યા હતા. તેમણે ક્ષત્રિય સમાજના નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ધર્મરથ 200 ગામડાં ફરશે.

રાજકોટમાં પેલેસ રોડ ઉપર આવેલા આશાપુરા માતાજીના મંદિરેથી આજે તા. 24 એપ્રિલને બુધવારની સવારે માતાજીના આશીર્વાદ લઈને આ રથને પ્રસ્થાન કરાવાયું હતું. તે ઉપરાંત સુરેન્દ્રનગરમાં શક્તિ માતાજીના મંદિરેથી, કચ્છમાં આશાપુરા માતાજીના મંદિરેથી, જામનગર વિસ્તાર માટે દ્વારકા જગદગુરુ શંકરાચાર્ય પીઠથી અને બહુચરાજી, અંબાજી મંદિર સહિત ગુજરાતમાં 7 સ્થળેથી રથને કંકુ તિલક કરીને રવાના કરવામાં આવ્યા હતા.

અસ્મિતા રથ ગુજરાતના 26 લોકસભા મત વિસ્તારમાં ફરશે
રાજકોટમાં અસ્મિતા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું ત્યારે સંકલન સમિતિના અગ્રણી પી. ટી.જાડેજા એ કહ્યું હતું કે આ રથ ગુજરાતની 26 લોકસભા મત વિસ્તારમાં ફરશે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા જન જાગૃતિ લાવશે. ક્ષત્રિયોમાં કોઈ ભાગલા પડવાના પ્રયાસો કરાશે તો તેઓ સફળ થશે નહીં. ક્ષત્રિયોના અવાજને કોઈ પણ દબાવી શકશે નહિં. અમારી માગણી રૂપાલાની ટિકિટ રાજકોટથી રદ થાય તે એક જ હતી પરંતુ ભાજપે તે સ્વીકારી નથી એટલે ક્ષત્રિયોને તેમની અસ્મિતા બચાવવા આંદોલનને યથાવત્ રાખવું પડ્યું છે. જ્ય ભવાનીના નારા સાથે રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. શહેરો અને ગામડાઓમાં આ રથ ફરશે.

Most Popular

To Top