SURAT

વાંસદાના એક વર્ષના બાળકનાં ફેંફસામાં આમલીનું બી ફસાઈ ગયું, સુરત સિવિલના તબીબોએ દૂરબીનથી કાઢ્યું

સુરત: એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાલેયા આમલીના બીને દુરબીન વડે દુર કરી નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ બાળકને નવજીવન આપ્યું હતું.

  • વાંસદાના બાળકને શરદી સહિતની સમસ્યા વધતાં સિટી સ્કેન સહિતના રિપોર્ટ કઢાવ્યા તો બી દેખાયું
  • ENT વિભાગના તબીબોએ તાત્કાલિક નિર્ણય લઈ, બે કલાકની દૂરબીન સર્જરી દ્વારા બી દૂર કર્યું

નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, વાંસદાના ઉમરકુઈમાં કૃણાલ ગામીત પરિવાર સાથે રહે છે અને તે મજૂરીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. કૃણાલના સંતાન પૈકી એક વર્ષના દીકરા ક્રિયાંશને શરદી સહિતની સમસ્યા થતાં 18મી એપ્રિલના રોજ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં બાળકનાં સિટી સ્કેન, એક્સ-રે કરાવવામાં આવ્યા હતા. જેમાં ક્રિયાંશના ફેફસામાં આમલીનું બી હોવાનું સામે આવ્યું હતું.

જેથી મંગળવારે પરિવાર ક્રિયાંશને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ENT વિભાગના તબીબો દ્વારા તાત્કાલિક સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બુધવારે ડોક્ટરોએ દુરબીનથી બે કલાક સુધી સર્જરી કરી હતી અને આંબલીનું બી કાઢી નાખ્યું હતું. હાલ બાળક સારવાર હેઠળ છે.

શહેરમાં અચાનક બેભાન થઈ જતાં મહિલા સહિત બેનાં મોત
સુરત: શહેરમાં અચાનક બેભાન થઈ જતાં મહિલા સહિત બેનાં મોત નીપજ્યાં હતાં, જેમાં આંબાતલાવડીનો રિક્ષાચાલક રાત્રે સૂઈ ગયા બાદ સવારે ઊઠ્યો જ ન હતો. તો બીજા બનાવમાં વેડ રોડની મહિલાને છાતીમાં દુખાવો થતાં ઢળી પડી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ કતારગામ આંબાતલાવડી ખાતે ચેતન ભીખા રાઠોડ (ઉં.વ.35) ત્રણ સંતાન સહિતના પરિવાર સાથે રહેતો હતો. ચેતન રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બુધવારે રાત્રે ચેતન કામ પરથી ઘરે આવીને જમીને સૂઈ ગયો હતો. ગુરુવારે સવારે તેની પત્ની રમીલાબેને તેને ઉઠાડવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ તે ઊઠ્યો ન હતો. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

બીજા બનાવમાં મૂળ ઓરિસ્સાના વતની અને હાલ વેડ રોડ ત્રિભુવન સોસાયટીમાં રામચંદ્ર સ્વાઇન પરિવાર સાથે રહે છે. રામચંદ્ર લૂમ્સના ખાતામાં નોકરી કરે છે. રામચંદ્રની પત્ની કવિતા (ઉં.વ.49) બુધવારે રાત્રે 11:30 વાગ્યાના અરસામાં ઘરમાં કામ કરી રહી હતી. એ સમયે તેને છાતીમાં દુખાવો થતાં તે બેભાન થઈને ઢળી પડી હતી. જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

Most Popular

To Top