National

બિહારના યુટ્યુબર મનીષ કશ્યપ ભાજપમાં જોડાયા

બિહાર: બિહારમાં (Bihar) ચાલી રહેલી રાજકીય અટકળો (Political speculation) વચ્ચે યુટ્યુબર મનીષ કશ્યપ (YouTuber Manish Kashyap) ભાજપમાં જોડાયા છે. તેઓ તેમની માતા સાથે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપ (BJP) કાર્યાલયમાં મનોજ તિવારી અને સંજય મયુખની ઉપસ્થિતિમાં પાર્ટીની સદસ્યતા લીધી હતી.

ભાજપમાં જોડાયા બાદ મનીષ કશ્યપે કહ્યું કે આ ભાજપના લોકોના કારણે જ હું જેલમાંથી બહાર આવી શક્યો હતો. તેમજ મારા જીવનના ખરાબ દિવસોનો અંત આવ્યો હતો. આ કારણોથી જ હું ભાજપમાં જોડાયો છું. બિહારને મજબૂત બનાવવું પડશે. હવે હું ભાજપ સાથે મળીને બિહારને મજબૂત બનાવીશ.

મનોજ તિવારીએ મનીષ કશ્યપના વખાણ કર્યા હતા
યુટ્યુબર મનીષ કશ્યપના ભાજપમાં જોડાવા પર ભાજપના નેતા મનોજ તિવારીએ કહ્યું કે મનીષ કશ્યપ જેવો વ્યક્તિ જે લોકોની ચિંતા કરે છે તે ભાજપ સાથે છે. હું મનીષને ઓળખું છું, તે ગરીબોનું કલ્યાણ ઈચ્છે છે અને તે પીએમ મોદી સાથે ગરીબોનું કલ્યાણ કરવા માટે જોડાયેલ છે. અમે તેમની ખૂબ કાળજી રાખીશું અને તેમનું સન્માન કરીશું.

બુધવારથી જ બિહારમાં રાજકીય અટકળો ચાલી રહી હતી
બુધવાર સાંજથી મનીષ કશ્યપને લઈને રાજકીય અટકળો વધી ગઈ હતી. આ અટકળોને એ સમયે મજબૂતી મળી જ્યારે મનીષ કશ્યપે સવારે તેમની માતા સાથે એક ઈમોશનલ પોસ્ટ કરી. આ પોસ્ટમાં મનીષ કશ્યપે લખ્યું હતું કે લાંબા સમય બાદ માતાના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. જો માતા ખુશ હશે તો બધું જ પરફેક્ટ થશે.

મનીષ કશ્યપ કઇ બેઠક મળવાની સંભાવના
પશ્ચિમ ચંપારણ સીટ પર મનીષ કશ્યપને પાર્ટીમાં કોઈ જવાબદારી અથવા એમએલસી ઓફર આપવામાં આવે તેવી પણ ચર્ચા છે. તમિલનાડુમાં કથિત હિંસા કેસમાં નકલી વીડિયો બનાવવા બદલ તમિલનાડુ પોલીસે મનીષ કશ્યપની ધરપકડ કરી હતી. ત્યારે મનીષ કશ્યપ દેશભરમાં પ્રખ્યાત થઈ ગયા હતા. તેમજ ઘણી મહેનત બાદ મનીષ કશ્યપ જેલમાંથી બહાર આવ્યા હતા. તમિલનાડુના કેસમાં જામીન મળ્યા બાદ પણ તેમને લાંબા સમય સુધી પટનાની બેઉર જેલમાં રહેવું પડ્યું હતું.

જેલમાંથી બહાર આવ્યા બાદ મનીષ કશ્યપે સદનમાં પહોંચીને બિહાર અને દેશ માટે કામ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો તેમને કોઈપણ પાર્ટીમાંથી ટિકિટ મળશે તો તેઓ ચૂંટણી લડશે. કોઈપણ પક્ષ તરફથી કોઈ ઑફર ન મળ્યા પછી, મનીષ કશ્યપ 2024ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ ચંપારણમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે પ્રચાર કરી રહ્યા હતા. સંજય જયસ્વાલને ટક્કર આપવા માટે કશ્યપ દિવસ-રાત પ્રચારમાં વ્યસ્ત હતા. એવી ચર્ચા છે કે મનીષ કશ્યપને મનાવવા માટે ભાજપે મનોજ તિવારીને મોકલ્યા હતા.

Most Popular

To Top