Vadodara

વડોદરા : ભંડારામાં ભીડનો લાભ લઇ ગઠિયાએ મહિલાના ગળામાંથી સોનાની ચેઇન સરકાવી લીધી

આધેડ મહિલા મહિલા વૃંદાવન ચાર રસ્તા પાસેના હનુમાન મંદિરે દર્શન કરવા ગયા હતા

હનુમાન જયંતિ નિમિત્તે યોજાયેલા ભંડારામાં અછોડા તોડી ટોળકી સક્રિય બની

(પ્રતિનિધિ) વડોદરા તા.24

ડભોઇ વાઘોડિયા રોડ પર રહેતી આધેડ મહિલાના વૃંદાવન ચાર રસ્તા પાસે હનુમાનજીની મંદિરે ભંડારો હોવાથી જમવા માટે ગઇ હતી. પરંતુ ત્યાં મોટીમાત્રામાં ભક્તો પ્રસાદી લેવા માટે આવ્યો હોય ભારે ભીડ હતી ત્યારે ગઠિયાએ ભીડનો લાભ લઇ મહિલાના ગળામાંથી દોઢેક તોલાની સોનાની પેન્ડલ સાથેની 40 હજારની ચેઇન સરકાવી ફરાર થઇ ગયો હતો. જેથી મહિલાએ ગઠિયા વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરમાં હનુમાનજી જયંતિ નિમિત્તે વિવિધ મંદિરો ખાતે ભંડારાનું આયોજન કરાયું હતું. ત્યારે ડભોઇ વાઘોડિયા રિંગ રોડ પર આવેલા શ્રીજી ટાઉનશીપમાં રહેતા પ્રવિણાબેન જયંતિભાઇ રોહિત (ઉં.વ.50) 23 એપ્રિલે હનુમાન જયંતિ હોવાથી પોતાના પરિવારના સભ્યો સાથે ઘરેથી રાત્રીના સમયે વૃંદાવન ચોર રસ્તા પાસે આવેલી શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારબાદ ભંડારામાં મહાપ્રસાદી લેવા માટે ઉભા હતા. પરંતુ ત્યાં મોટી સંખ્યામાં હનુમાન ભક્ત સહિતના લોકો પ્રસાદી લેવા  આવ્યા હોવાથી ભારે ભીડ હતી. દરમિયાન આ ભીડનો લાભ લેવા માટે ગઠિયાઓ પણ ઘુસી આવ્યા હતા. જેમાંથી એક ગઠિયાએ આધેડ મહિલાના ગળામાં પહેરેલી દોઢેક તોલાની સોનાની ચેઇન પેન્ડલ સાથેની રૂ.40 હજારની ચાલાકીપૂર્વક સરકાવી લીધી હતી. મહિલા ઘરે આવ્યા બાદ સોનાની ચેન ગળામાં નહી જણાતા તેઓએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top