SURAT

ઈન્કમટેક્સની સ્ટાઈલમાં સુરત પોલીસના કાપોદ્રાની 13 ગેસની એજન્સી પર દરોડા, આ કૌભાંડનો પર્દાફાશ કર્યો

સુરત: શહેરમાં લારી કલ્ચર ખૂબ મોટા પાયે ધમધમે છે, ત્યારે વિવિધ ખાણીપીણીની ચીજવસ્તુઓ બનાવવા માટે લારીવાળાઓને ગેસના બાટલાની જરૂર પડતી હોય છે. કાયદેસર મોટા જથ્થામાં ગેસની બોટલો મળતી નહીં હોય શહેરમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. આવા જ એક સ્કેમને સુરત પોલીસે ઉઘાડું પાડ્યું છે.

  • કાપોદ્રામાંથી ગેસની બોટલો રિફિલિંગ કરવાનું કૌભાંડ પકડાયું, 13 દુકાનદારો સામે ગુનો દાખલ

સુરત શહેર પોલીસને બાતમી મળી હતી કે કાપોદ્રા વિસ્તારમાં ગેસ સર્વિસની દુકાનની આડમાં ગેસના બોટલમાંથી બીજા બાટલામાં ગેસ રિફલિંગ કરવામાં આવે છે. બાતમીને આધારે સુરત પોલીસે અલગ અલગ 13 દુકાનો પર રેઈડ કરી કુલ 13 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કહ્યું કે, ગેસ સર્વિસની આડમાં આરોપીઓ ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ કરતા હતા. બે દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ઈન્કમટેક્સની જેમ એક સાથે 13 દુકાનો પર રેઈડ કરી
પોલીસે આરોપીઓને પકડવા માટે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની જેમ સ્પેશ્યિલ રેઈડ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કોઈ કરચોર વિરુદ્ધ તપાસ કાર્યવાહી કરે ત્યારે અલગ અલગ ટીમ બનાવી એક સાથે કરચોરના ઘર, ઓફિસ સહિત દરેક ઠેકાણે દરોડા પાડે છે, તે જ રીતે સુરત પોલીસે ગેસ બોટલ રિફલિંગના સ્કેમને ખુલ્લું પાડવા અલગ અલગ ટીમ બનાવી એકસાથે 13 દુકાનો પર રેઈડ કરી હતી.

પોલીસે દરેક ટીમમાં 4 અધિકારીઓની 4 અલગ અલગ ટીમ બનાવી હતી. કુલ 20 પોલીસ કર્મચારી અને અધિકારીઓએ એક સાથે કાપોદ્રામાં અલગ અલગ કુલ 13 જગ્યા પર રેઈડ કરી 13 દુકાનદારોને રંગેહાથ ગેસના બાટલામાંથી ગેસ રિફલિંગ કરતા ઝડપી પાડ્યા હતા. 13 દુકાનદારો પાસેથી અલગ અલગ કંપનીના ગેસના મોટા તથા નાના ભરેલા ગેસના બાટલાઓ તથા ખાલી ગેસના બાટલા મળી કુલ 41 બાટલા તેમજ ગેસ રિફલિંગનું મશીન નંગ 13, ઈલેક્ટ્રીક વજન કાંટા 13, ગેસ ભરવાનો વાલ 13 સહિતનો 1,44,100નો મુદ્દામાલ કબ્જે લીધો છે. 13 ઈસમો વિરુદ્ધ અલગ અલગ 13 ગુના દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ
વિકાસ બાવચંદ મારુ (202, શ્રદ્ધા પાર્ક એપાર્ટમેન્ટ, વરાછા), મનોજ ગિરધર કાનાબાર (206, ગોપીનાથ કોમ્પલેક્સ, હીરાબાગ, વરાછા), લલિત ગોવિંદ ચંદેલ (212 રામદેવ રેસીડેન્સી, તાતી થૈયા ગામ, કડોદરા), નીતીશકુમાર વિનોદ પટેલ (ધરતીનગર આવાસ, અરોલી), માધવ રતનલાલ ખટીક (બજરંગનગર સોસાયટી, સીમાડા નાકા, કાપોદ્રા), મુકેશ રાજુ મીર (રઘુભાઈના મકાનમાં ભરવાડ ફળીયું, કાપોદ્રા), વિપુલ વરસુ મેર (રામકૃષ્ણ કોલોની, ભરવાડ ફળીયું, કાપોદ્રા), સુરેશ રામચંદ્ર તૈલી (ઈન્દીરાનગર હિરાબાગ કાપોદ્રા), અશોક રતનલાલ ખટીક (સુમન મંદીર આવાસ, ઉત્રાણ પાવર હાઉસ પાસે), ઘનશ્યામ બાલુ લુણાદરીયા (નિલંકઠ સોસાયટી, કાપોદ્રા), કનૈયાલાલ જગદીશ ખટીક (શાંતિકુંજ સોસાયટી, પર્વત પાટીયા), પપ્પુસિંગ સોહનસિંગ (માન સરોવર સોસાયટી, ગોડાદરા), બાવચંદ મોહન કપુપરા (વિરાટનગર સોસાયટી, કાપોદ્રા)

Most Popular

To Top