Dakshin Gujarat

અચાનક વાતાવરણ બદલાયું, 42 ડિગ્રી ગરમીની આગાહી વચ્ચે સુરત સહિત દ.ગુજરાતમાં વરસાદ પડ્યો

સુરત: સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અચાનક આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. 42 ડિગ્રી ગરમીની આગાહી વચ્ચે સવારથી વાદળછાયું વાતાવરણ થયું છે. જિલ્લાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે. ગરમીમાંથી રાહત મળતા શહેરીજનો ખુશ છે તો બીજી તરફ કમોસમી વરસાદને લીધે કેરીનો પાક બગડી જવાની ચિંતા ખેડૂતોને થઈ છે.

એકતરફ હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં 42 ડિગ્રી પારો રહેવાની આગાહી કરી છે તો બીજી તરફ આજે તા. 26 એપ્રિલની સવારથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ભરઉનાળે દક્ષિણ ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ ઉભો થયો છે. ઠંડક પ્રસરવાના લીધે લોકોએ ગરમીથીમાં રાહતનો શ્વાસ લીધો છે, બીજી તરફ કેરીનો પાક તૈયાર છે ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. માવઠાને લીધે કેરીનો પાક બગડી જવાનો ભય ઉભો થયો છે.

સુરત જિલ્લાના ઘણા તાલુકાઓમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. માંડવી, ઉમરપાડા સહિતના તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. સુરત શહેરની વાત કરીએ તો સવારે અહીં અમીછાંટણા પડ્યા હતા. આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. શહેરના ભટાર, વેસુ, પાલ સહિતના વિસ્તારોમાં ધીમો વરસાદ પણ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતના માંડવી અને ઉમરપાડામાં સવારે ધોધમાર વરસાદ વરસ્યો છે. વ્યારામાં સવારથી મેઘરાજા વરસી રહ્યાં છે. વરસાદના લીધે વ્યારાના રસ્તાઓ ભીના થઈ ગયા છે. દાહોદ, ભાવનગરમાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું છે. નવસારીના બીલીમોરામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે. બીલીમોરામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની બાઈક રેલીમાં કાર્યકરો વરસાદથી ભીંજાયા હતા. આ રેલીમાં 200થી વધુ યુવાનો જોડાયા હતા. વલસાડમાં કમોસમી વરસાદના લીધે કેરીના પાકને મોટું નુકસાન થવાનો ભય ઉભો થયો છે.

ભર ઉનાળામાં ડેડીયાપાડામાં વરસાદી ઝાપટા, લગ્નસરાની સીઝનમાં વરસાદે મજા બગાડી
ડેડીયાપાડા: નર્મદા જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી જ વાદળો ઘેરાયેલા હતા.જેમાં ડેડીયાપાડા સહિત તાલુકામાં કમોસમી ઝાપટા પડ્યા છે.કમોસમી વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. તરબુચ, મગ, મકાઈ સહીતની ખેતીમાં નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે.ભર ઉનાળે લગ્નસરાની સીઝનમાં વરસાદે મજા બગાડી છે.

નર્મદા જિલ્લામાં આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને ડેડીયાપાડા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યો છે. વરસાદી માહોલ સર્જાતા આ પંથકમાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. નર્મદા જિલ્લામાં પણ ૩૮થી ૪૦ ડિગ્રી શેકાતી ગરમીમાં શુક્રવારે એકાએક વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા લોકોમાં સામાન્ય ઠંડકનો માહોલ અનુભવ્યો હતો.

Most Popular

To Top