Vadodara

વડોદરા: સાકરદા મોક્ષી રોડ ઉપર ટેમ્પો અને ટેન્કર વચ્ચે અકસ્માત, 2થી વધુના મોત, 25 લોકો ઘવાયા

અડાસથી મોસાળુ લઈને પરિવાર નટવરનગર તરફ જઈ રહ્યો હતો

ઈજાગ્રસ્ત્રોને એસએસજી સહિતના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
વડોદરા તા.26
વડોદરા નજીક આવેલા સાકરદા ગામ થી થોડે આગળ મોક્ષી રોડ ઉપર આજે શુક્રવારે સવારે મોસાળુ લઈને જતા ટેમ્પો અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વૃદ્ધા સહિત 2થી વધુ લોકોના મોત નીપજયા હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે, જ્યારે ટેમ્પોમાં બેઠેલા 25 લોકોને નાની-મોટી ઇજાઓ સાથે આબાદ બચાવ થયો છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં એસએસજી સહિતના હોસ્પિટલમાં ખાતે ખસેડાયા છે. ભાદરવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજે શુક્રવારે સવારે અડાસથી 50 જેટલા કુટુંબીજનો ટેમ્પોમાં મોસાળુ લઈને નટવરનગર ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન સાકરદા અને મોકસી ગામની વચ્ચે ટેમ્પો અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પામાં સવાર લોકોની ચીસાચીસ થી સમગ્ર રોડ પર ગમગીની છવાઈ ગઈ હતી. પ્રાથમિક તબક્કે અકસ્માતમાં 2 થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. જ્યારે ટેમ્પામાં સવાર 25 લોકોને નાની મોટી ઇજાઓ સાથે આબાદ બચાવ થયો હતો.
અકસ્માત થયો હોવાની જાણ સાકરદા અને મોકસી ગામના લોકોને થતા તાત્કાલિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉંમટી પડ્યા હતા અને ઇજાગ્રરસ્ત થયેલા લોકોને અલગ અલગ એમ્બ્યુલન્સોમાં તુરત જ નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.રોડ ઉપર અવારનવાર સર્જાતા અકસ્માતના પગલે સ્થાનિક ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આઇસર અને ટેન્કર વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં લોકો ઈજાગ્રસ્ત થયા હોય મૃત્યુ આંક વધે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો જેથી ભાદરવા અને નંદેસરી પોલીસે સ્થળ પર દોડી આવી ટ્રાફિક ક્લીયર કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top