SURAT

નિલેશ કુંભાણીની કોંગ્રેસે 6 વર્ષ માટે પક્ષમાંથી હકાલપટ્ટી કરી, બસ-રિક્ષા પર કુંભાણી વિરુદ્ધ લાગ્યા પોસ્ટર

સુરત: લોકસભા ચૂંટણી 2024માં (Loksabha Election 2024) સુરત (Surat) રાજકારણનું એપી સેન્ટર બન્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના (Congress) ઉમેદવાર નિલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) નાટ્યાત્મક રીતે ઉમેદવારી પત્રક રદ થયા બાદથી કુંભાણી ગાયબ છે.

કુંભાણીની ગદ્દારીના લીધે કોંગ્રેસે લડવા પહેલાં જ સુરતની બેઠક ગુમાવી હોવાનો રોષ કોંગ્રેસના કાર્યકરોમાં વ્યાપ્યો છે. ઠેરઠેર નિલેશ કુંભાણી ગદ્દાર છે તેવા બેનર અને પોસ્ટરો કોંગ્રેસીઓ દ્વારા ચોંટાડવા અને ટીંગાડવામાં આવી રહ્યાં છે. દરમિયાન આજે કોંગ્રેસ પક્ષે નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી એક રીતે કુંભાણીને પક્ષ નિકાલ આપી દીધો છે.

સુરત લોકસભા બેઠકની ટિકિટ કોંગ્રેસે નિલેશ કુંભાણીને આપી હતી. નિલેશ કુંભાણીએ આ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભર્યું હતું, જેમાં ટેકેદારો તરીકે બનેવી સહિતના સગાઓએ સહી કરી હતી. જોકે, બાદમાં નાટ્યાત્મક રીતે આ ટેકેદારો ફરી ગયા હતા અને નિલેશ કુંભાણીનું ગઈ તા. 21 એપ્રિલના રોજ ફોર્મ રદ થયું હતું. કુંભાણી બાદ અન્ય ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લેતા સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જીતી ગયા હતા.

હવે ફોર્મ રદ થયાના પાંચમા દિવસે કોંગ્રેસે નિલેશ કુંભાણી સામે આકરી કાર્યવાહી કરી છે. પ્રદેશ કોંગ્રેસની શિસ્ત સમિતિની બેઠકમાં લાંબી ચર્ચાના અંતે તમામ હકીકતોને ધ્યાનમાં લઈ નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સમિતિની બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે, નિલેશ કુંભાણીને કોંગ્રેસ પક્ષે સંસદની ટિકિટ આપી હતી. સૌરાષ્ટ્રના અનેક પાટીદારો તથા અન્ય સૌરાષ્ટ્રના લોકો જેઓ સુરતમાં રહે છે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી ગણતરી પક્ષની હતી.

તમારા ફોર્મને રદ થયું તેમાં તમારી સંપુર્ણ લાપરવાહી તથા ભારતીય જનતા પાર્ટી સાથેનું તમારું મેળાપીંપણું સ્પષ્ટ થયું છે. આમ છતાં કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર તમે આવીને પુરી સ્પષ્ટતા કરી શકો અને તમારો પક્ષ રજૂ કરી શકો તે માટે શિસ્ત સમિતિએ તમને સમય આપ્યો હતો. પરંતુ તમે નાટ્યાત્મક રીતે ગાયબ થઈ ગયા છો. તેથી તમને પક્ષે છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

કોંગ્રેસના કાર્યકરોએ કુંભાણી વિરુદ્ધ બસ, રિક્ષા પર પોસ્ટર ચોંટાડ્યા
સુરતમાં કોંગ્રેસના કાર્યકરોનો નિલેશ કુંભાણી વિરુદ્ધનો રોષ શાંત પડવાનું નામ લઈ રહ્યો નથી. આજે કોંગ્રેસના કાર્યકરોએ સિટી બસ અને રિક્ષા પર દલાલનો દલાલ એટલે નિલેશ કુંભાણી તેવા પોસ્ટર ચોંટાડ્યા હતા. સુરતના 18 લાખ મતદારો મતદાનથી વંચિત રાખી દગો કરનાર કુંભાણી વિરુદ્ધ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુરત સ્ટેશન રોડ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસી કલ્પેશ બારોટે કહ્યું હતું કે, કુંભાણીએ જેટલું ભાગવું હોય એટલું ભાગી લે. આજે નહીં તો કાલે સુરતમાં આવવું પડશે. નિલેશ કુંભાણી સુરત આવશે તો તેને માર પણ પડશે એમ બારોટે ધમકી ઉચ્ચારી હતી.

Most Popular

To Top