Gujarat Main

મોરબીના ઝૂલતા પુલ કેસમાં ઓરેવાએ હાઈકોર્ટમાં માફી માંગી, પીડિતોને મહિને 12 હજાર આપવા તૈયાર

અમદાવાદ: બે વર્ષ પહેલાં દિવાળી વેકેશનમાં તા. 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તુટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના માટે જવાબદાર 10 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં ઝુલતા બ્રિજનું મેનેજમેન્ટ કરનાર ઓરેવા કંપનીના 2 મેનેજર, 2 કલાર્ક, 3 સિક્યુરિટિ ગાર્ડ અને બ્રિજના કલરકામ સાથે સંકળાયેલા 1 વ્યક્તિ એમ કુલ 8 લોકોને હાઈકોર્ટ અગાઉ જામીન આપી ચુકી છે, જ્યારે આ કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલને હાઈકોર્ટે જામીન આપ્યા નથી. જયસુખ પટેલવિરુદ્ધ આઈપીસીની કલમ 304, 308, 337 અને 114 કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જયસુખ પટેલ એક વર્ષથી જેલમાં છે.

દરમિયાન આજે તા. 27 એપ્રિલના રોજ ગુજરાત હાઈકોર્ટમાં બ્રિજ દુર્ઘટનાના પીડિતોના પુનર્વસનને મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આ સુનાવણી દરમિયાન ઓરેવા કંપનીએ હાઈકોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગી લીધી છે. કંપની તરફથી હાઈકોર્ટમાં કોર્ટની કન્ટેમ્પ્ટ દાખલ કરવાની શો કોઝ નોટિસ અને કલેક્ટર દ્વારા પીડિતોને આપવાના વળતર મામલે એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા પીડિતોને જે વળતર આપવા સૂચન કરાયું છે તે વળતર આપવા કંપનીએ તૈયારી દર્શાવી છે. અનાથ બાળકો અને વિધવાઓને મહિને 12 હજાર રૂપિયા આપવાની તૈયારી દર્શાવી છે.

અગાઉ કંપની મહિને માત્ર 5 હજાર આપવા તૈયારી હતી. જોકે, હવે તે કલેક્ટરના સૂચન અનુસાર 12 હજાર પ્રતિ માસ આપવા તૈયાર છે. કંપનીએ કહ્યું કે, કોર્ટના સૂચન અનુસાર પીડિતો માટે ટ્રસ્ટ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. કલેક્ટરના સૂચન અનુસાર 30 એપ્રિલ સુધીમાં પીડીતોને વળતર ચૂકવી દેવામાં આવશે.

કાયમી વળતર અંગે કોર્ટે સવાલ કર્યો
દર મહિને આપવામાં આવતા વળતર અંગે કંપનીએ તૈયારી બતાવતા કોર્ટે કાયમી વળતર અંગે શું વિચાર્યું છે? તેવો સવાલ કર્યો હતો. કંપની આ દુર્ઘટનામાં દોષિત છે. માફી લાયક ગુનો નથી. કંપનીએ પીડિતો માટે વધારે કંઈક કરવું પડશે. આ સામાન્ય અકસ્માત કે એક્ટ ઓફ ગોડ નથી. તમે જાહેર મિલકત સાથે રમત રમી છે. પીડિતોને વધારે આપવાની તમારી જવાબદારી છે.

Most Popular

To Top