Sports

નાના દેશની આ ખેલાડીએ T20માં એક પણ રન આપ્યા વિના 7 વિકેટ લઈને અદભૂત રેકોર્ડ બનાવ્યો

ટી-20 ક્રિકેટમાં (T20 Cricket) જ્યાં એક તરફ બેટ્સમેન પોતાની રમત દ્વારા સતત ઘણા નવા રેકોર્ડ (Record) બનાવી રહ્યા છે તો બીજી તરફ ઈન્ડોનેશિયાની માત્ર 17 વર્ષની ખેલાડી રોહમાલિયાએ બોલિંગમાં એવો રેકોર્ડ બનાવ્યો છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. મંગોલિયા મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ઈન્ડોનેશિયાના પ્રવાસ પર છે જ્યાં બંને ટીમો વચ્ચે 6 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમાઈ હતી. આ સિરીઝની 5મી મેચમાં ઈન્ડોનેશિયાની ટીમ તરફથી રમતા ઓફ સ્પિનર ​​રોહમાલિયાએ 20 બોલ નાંખી કોઈ રન આપ્યા વિના 7 વિકેટ ઝડપી હતી.

આ મેચમાં ઇન્ડોનેશિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટના નુકસાન પર 151 રન બનાવ્યા હતા જ્યારે મોંગોલિયન ટીમ 16.2 ઓવરમાં માત્ર 24 રન પર જ આઉટ થઈ ગઈ હતી. રોહમાલિયાનું પ્રદર્શન (3.2–0-7) જે વિશ્વ વિક્રમ છે. એટલું જ નહીં ટી20 ફોર્મેટમાં આ સર્વશ્રેષ્ઠ બોલિંગ છે. ઇન્ડોનેશિયાની ખેલાડી રોહમાલિયાએ મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 0 રનમાં 7 વિકેટ લઈને નેધરલેન્ડની ખેલાડી ફ્રેડરિક ઓવરડિઝ્કનો રેકોર્ડ તોડ્યો છે જેણે 2021 ICC T20 વર્લ્ડ કપ યુરોપ ક્વોલિફાયરમાં ફ્રાન્સ ટીમ સામેની મેચ દરમિયાન 4 ઓવરમાં માત્ર 3 રન આપી 7 વિકેટ લીધી હતી.

રોહમાલિયા મહિલા T20 ઈન્ટરનેશનલમાં 7 વિકેટ લેનારી ત્રીજી ખેલાડી છે. આ પહેલા નેધરલેન્ડની ફ્રેડરિક ઓવરડિઝ્ક અને આર્જેન્ટિનાની ખેલાડી એલિસન સ્ટોક્સે આ સિદ્ધિ મેળવી હતી. મહિલા ક્રિકેટમાં કોઈપણ ખેલાડીનું તેની ડેબ્યૂ ટી20 ઈન્ટરનેશનલ મેચમાં આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે જેમાં રોહમાલિયાએ નેપાળની ખેલાડી અંજલિ ચંદનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અંજલિએ વર્ષ 2019માં માલદીવ સામેની પોતાની ડેબ્યૂ મેચમાં 2.1 ઓવરમાં એકપણ રન આપ્યા વિના 6 વિકેટ ઝડપી હતી.

6 મેચની આ T20 સિરીઝમાં યજમાન ટીમ ઈન્ડોનેશિયાનો સંપૂર્ણ દબદબો રહ્યો જેમાં તેણે પ્રથમ અને બીજી મેચ 122 અને 104 રનથી જીતી અને ત્રીજી મેચ 10 વિકેટથી જીતી લીધી. આ પછી ઈન્ડોનેશિયાએ ચોથી અને પાંચમી ટી20 મેચ 120 અને 127 રનથી જીતી હતી જ્યારે શ્રેણીની છેલ્લી મેચ 10 વિકેટથી જીતી હતી. આ સિરીઝમાં ઈન્ડોનેશિયાની ખેલાડી સાન્દ્રા બારાએ સૌથી વધુ 11 વિકેટ લીધી હતી, જ્યારે રોહમાલિયા આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે જેમાં તેણે 2 મેચમાં 7 વિકેટ લીધી હતી.

Most Popular

To Top