Science & Technology

સુનીતા વિલિયમ્સ ત્રીજીવાર અંતરિક્ષમાં યાત્રા કરવા તઇયાર, પૃથ્વીથી 400 કિ.મી. ઉપર ભરશે ઉડાન

નવી દિલ્હી: ભારતીય (Indian) મૂળની અમેરિકન અવકાશયાત્રી (American astronaut) સુનીતા વિલિયમ્સ (Sunita Williams) ફરી એકવાર અવકાશમાં જવા માટે તૈયાર છે. સુનિતા 6 મેના રોજ સ્ટારલાઇનર સ્પેસશીપમાં બેસીને તેણીની ત્રીજી અવકાશ યાત્રા (Space Travel) પર જશે. હાલમાં તેણીને બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાન પર ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન માટે પાઇલટ તરીકે તાલીમ આપવામાં આવી રહી છે.

સ્ટારલાઈનર સ્પેસશીપને રોકેટની મદદથી અવકાશમાં મોકલવામાં આવશે. આ સ્પેસશીપ પૃથ્વીથી 400 કિમી ઉપર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાયેલ હશે. આ મિશન માટે સુનિતા વિલિયમ્સ ઉપરાંત વરિષ્ઠ વૈજ્ઞાનિક બૂચ વિલ્મોરને પસંદ કરવામાં આવ્યા છે. બંને અવકાશયાત્રીઓ બે સપ્તાહ સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેશે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સુનિતાના પ્રથમ બે મિશન
સુનિતા વિલિયમ્સે એક ખૂબ લાંબા મિશન દરમિયાન ‘એક્સપિડિશન 32’માં ફ્લાઈટ એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. આ સિવાય તેણી અન્ય એક મિશન ‘એક્સપિડિશન 33’માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની કમાન્ડર પણ રહી ચૂકી છે. સુનીતાએ આ બે મિશન દરમિયાન કુલ 322 દિવસ અવકાશમાં વિતાવ્યા હતા. તેમજ તેણીએ કુલ 50 કલાક અને 40 મિનિટ અંતરિક્ષ (સ્પેસવોક)માં વિતાવ્યા હતા. આ બાબતમાં તે મહિલા અવકાશયાત્રીઓની યાદીમાં બીજા સ્થાને છે.

સુનીતા હાલમાં સુનીતા એક નવા મિશનની તૈયારી કરી રહી છે. બોઇંગના સ્ટારલાઇનર સ્પેસશીપનું આ પ્રથમ માનવયુક્ત મિશન હશે. આ મિશનમાં તે પાઈલટની ભૂમિકા ભજવશે અને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર આ તેનું ત્રીજું મિશન હશે.

મિશન 14/15: સુનીતાનું અવકાશમાં પ્રથમ મિશન
9 ડિસેમ્બર 2006ના રોજ સુનિતાએ તેણીનું પ્રથમ અવકાશ મિશન શરૂ કરવા STS-116 ના ક્રૂ સાથે રવાના થઈ હતી. 11 ડિસેમ્બરે તેમની ટીમ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી હતી. આ મિશનમાં સુનીતાએ ફ્લાઈટ એન્જિનિયરની ભૂમિકા ભજવી હતી.

આ સમયગાળા દરમિયાન, તેણીએ અવકાશમાં 4 વખત સ્પેસવોક કર્યું જેમાં કુલ સમય 29 કલાક 17 મિનિટનો હતો. તે સમયેમહિલા અવકાશયાત્રી તરીકે આ વિશ્વ રેકોર્ડ હતો. જોકે પાછળથી 2008માં પેગી વ્હીટસન નામની અવકાશયાત્રીએ આ રેકોર્ડ તોડ્યો હતો.

સુનીતાનું આ પહેલું મિશન ‘એક્સપિડિશન 15’ના ભાગ સાથે સમાપ્ત થયું હતું. તેમજ તેણી STS-117 ક્રૂ સાથે 22 જૂન, 2007ના રોજ કેલિફોર્નિયામાં પૃથ્વી પર પાછી આવી હતી.

મિશન 32/33: સુનીતાનું અવકાશમાં બીજું મિશન
14 જુલાઈ 2012ના રોજ સુનીતાએ કઝાકિસ્તાનથી તેણીનું બીજું સ્પેસ મિશન શરૂ કર્યું હતું. તેણીએ તેણીના અન્ય સાથી યુરી માલેન્ચેન્કો અને અકિહિકો હોશીદે સાથે કઝાકિસ્તાનના બાયકોનુર કોસ્મોડ્રોમથી અવકાશમાં ઉડાન ભરી હતી. તેમના સાથી અવકાશયાત્રીઓ રશિયન સ્પેસ એજન્સી અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના હતા.

17 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં નાસાના જો અકાબા, રશિયન અવકાશયાત્રી ગેન્નાડી પડાલ્કા (એક્સપિડિશન 32ના કમાન્ડર) અને સર્ગેઈ રેવિન (ફ્લાઇટ એન્જિનિયર) પહેલેથી જ હાજર હતા. સુનીતાએ આગામી ચાર મહિના સ્પેસ સ્ટેશનમાં ઘણા સંશોધનો કરવામાં વિતાવ્યા હતા. 127 દિવસ સુધી અવકાશમાં રહ્યા પછી તેઓ 18 નવેમ્બર 2012ના રોજ કઝાકિસ્તાન પરત ફર્યા.

Most Popular

To Top