SURAT

ઉમેદવારી રદ થયા બાદ નિલેશ કુંભાણી ક્યાં ગાયબ થઈ ગયા?, પત્નીએ આપ્યું મોટું નિવેદન

સુરત: નાટ્યાત્મક રીતે ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસના (Congress) સુરત લોકસભા બેઠકના (Surat Loksabha Seat) ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) ગાયબ છે. સપરિવાર કુંભાણી ક્યાંક જતા રહ્યાં હોવાની ચર્ચા ઉઠી. કોઈકે કહ્યું કુંભાણી ગોવા છે, કોઈકે કહ્યું તે અમદાવાદ છે. આ મામલે સસ્પેન્સ વધતું ગયું.

દરમિયાન રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ કુંભાણીને ગદ્દાર ચિતરી તેમના ઘરની બહાર દેખાવો કર્યા. અમરોલી કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાતે તો સ્મશાન સુધી નિલેશ કુંભાણીનો પીછો નહીં છોડવાની ધમકી પણ ઉચ્ચારી દીધી. આ બધા વચ્ચે આજે ત્રણ દિવસ બાદ નિલેશ કુંભાણીના સરથાણા ખાતેના ઘરના દરવાજા ખુલ્યા છે.

જોકે, નિલેશ કુંભાણી આવ્યા નથી પરંતુ તેમની પત્ની પ્રગટ થયા છે. નિલેશ કુંભાણીની પત્ની આવતા જ મીડિયા પહોંચી ગઈ હતી. દરમિયાન સરથાણા પોલીસે પણ તરત જ નિલેશ કુંભાણીના ઘરની બહાર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. છેલ્લાં એક અઠવાડિયાથી નાટ્યાત્મક રીતે એક બાદ એક જે ઘટનાઓ બની રહી છે તે જોતાં પોલીસ કોઈ રિસ્ક લેવા માંગતી નથી.

શું કહ્યું નિલેશ કુંભાણીની પત્નીએ?
દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં નિલેશ કુંભાણીની પત્ની નીતા કુંભાણીએ તમામ આક્ષેપોનો રદિયો આપ્યો હતો. કુંભાણીની પત્નીએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ઈન્ક્વાયરીનો સામનો કરવા માટે તેઓ અમદાવાદ ગયા છે. કોંગ્રેસ હાઈકમાન્ડની સૂચનાથી તેઓ કાર્યવાહી કરવા અમદાવાદ હાઈકોર્ટમાં જઈ રહ્યા છે. 

ટેકેદારો ઘરના હતા તો આવું કેમ થયું? એ સવાલના જવાબમાં નિલેશ કુંભાણીના પત્નીએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, કુંભાણીના ખરીદી ન શક્યા તો ટેકેદારોને યેનકેને પ્રકારે બેસાડી દીધા હશે. 5 કરોડમાં સોદો થયો હોવાના સવાલના જવાબ આપતા કુંભાણીની પત્નીએ કહ્યું કે, એમને સારામાં સારું છે. પૈસા લે તે વાત ખોટી છે.

 નીતા કુંભાણીએ વધુમાં કહ્યું કે, ‘શું નિલેશ કુંભાણીએ કહ્યું કે તેમણે રૂપિયા લીધા છે?  શું નિલેશ કુંભાણીએ કહ્યું કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે? આ બધી વાતો ભારતીય જનતા પાર્ટી જ ફેલાવી રહી છે. ભાજપ આટલી બધી મિલીભગત કરી શકતી હોય તો શું તેઓ લોકોને છેતરી નહીં શકે? કોંગ્રેસના કાર્યકરો પણ આંતરિક રીતે નિલેશનું નામ કલંકિત કરવા ષડયંત્ર રચી રહ્યા છે.

Most Popular

To Top