Dakshin Gujarat

બારડોલી: નહેરના પુલ પાસે વળાંકમાં મોપેડ સંતુલન ગુમાવી નહેરમાં ખાબકતાં માતા-પુત્રનાં મોત

બારડોલી: (Bardoli) બારડોલીથી રાજપરા લુંભા ગામનાં માતા-પુત્ર મોપેડ સાથે નહેરમાં (Canal) ખાબકતાં મોત થયાં હતાં. સાંજે પતિની દુકાનેથી ઘરે જતી વખતે રાજપરા લુંભા ગામની સીમમાં આવેલી નહેરના પુલ પાસે વળાંકમાં મોપેડનું સંતુલન ગુમાવી દેતાં મોપેડ સાથે બંને નહેરમાં પડ્યાં હોવાનું અનુમાન છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

  • બારડોલીમાં મોપેડ સાથે નહેરમાં ખાબકતાં માતા-પુત્રનાં મોત
  • રાજપરા લુંભા ગામની સીમમાં નહેરના પુલ પાસે વળાંકમાં મોપેડનું સંતુલન ગુમાવી દેતાં બનેલી ઘટના

બારડોલીના રાજપરા લુંભા ગામે રહેતા દક્ષેશકુમાર કિશોરભાઇ ટેલર (ઉં.વ.38) દરજીકામ કરે છે. તેઓ લક્ષ્મી ગોપાલ કોમ્પ્લેક્સમાં મા કૃપા લેડીઝ ટેલરના નામે દરજીકામની દુકાન ચલાવે છે. પરિવારમાં તેમની પત્ની મનીષાબેન (ઉં.વ.33) ઉપરાંત બે પુત્રો કુશ (ઉં.વ.12) અને ઇવાન (ઉં.વ.3) સાથે રહે છે. મનીષાબેન નવરાશની પળોમાં તેમની મોપેડ નં.(જીજે 19 એન 0879) લઈ દુકાન પર જતાં-આવતાં હતાં. શુક્રવારે દક્ષેશકુમાર દરરોજ સમય પ્રમાણે સવારે સાડા નવ વાગ્યે દુકાને ગયા હતા અને દરજીકામ કરતા હતા. દરમિયાન સાંજે સાડા 6 વાગ્યે તેમની પત્ની મનીષાબેન તેના નાના પુત્ર ઇવાન સાથે મોપેડ પર દુકાને નાસ્તો લઈને આવી હતી. તેમણે સાથે નાસ્તો કર્યા બાદ બજારમાં ખરીદી કરવા ગયાં હતાં. ત્યાંથી દુકાને ગયા બાદ મનીષાબેન ઇવાન સાથે મોપેડ પર સાંજે સાડા સાતેક વાગ્યે ઘરે જવા નીકળી હતી.

જો કે, મોડે સુધી માતા અને નાનો ભાઈ ઘરે નહીં પહોંચતાં મોટા પુત્રએ તેના પિતાને જાણ કરી હતી. દક્ષેશે પત્નીના મોબાઇલ ફોન પર સંપર્ક કરતાં સંપર્ક થઈ શક્યો ન હતો. આથી દક્ષેશ દુકાન બંધ કરીને ઘરે ગયા બાદ આજુબાજુમાં અને સગા સંબંધીને ત્યાં તપાસ શરૂ કરી હતી. તેઓ શોધખોળ કરી જ રહ્યા હતા, એ સમયે જાણવા મળ્યું હતું કે, બારડોલીની અલંકાર સિનેમા પાસે નહેરમાંથી એક મહિલાનો મૃતદેહ મળ્યો છે અને હાલ સરદાર હોસ્પિટલમાં છે. આથી તેઓ તેમના સાળા વિરલભાઈ બીપીનચંદ્ર સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં મૂકેલો મૃતદેહ મનીષાબેનનો જ હોવાની ઓળખ થઈ હતી.

જો કે, નાના બાળક ઇવાનનો કોઈ ભાળ મળી ન હતી. ઇવાન પણ માતા સાથે નહેરમાં જ પડ્યો હોવાના અનુમાન સાથે તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. રાત્રે કોઈ ભાળ ન મળતાં બીજા દિવસે નહેર બંધ કરી તપાસ આદરવામાં આવી હતી. અંતે બપોરે 12 વાગ્યાની આસપાસ અલંકાર સિનેમાથી થોડે દૂર નહેરમાંથી બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. એકસાથે માતા-પુત્રના મોતથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નહેરનું ગરનાળું સાંકડું અને ભયજનક વળાંક હોવાથી વારંવાર અકસ્માત સર્જાય છે
બારડોલીથી રાજપરા લુંભા જતાં રોડ પર આવેલું નહેરનું ગરનાળું સાંકડું અને ભયજનક વળાંક હોવાથી અહીં વારંવાર અકસ્માત સર્જાતા રહે છે. થોડા વર્ષ પૂર્વે પણ અહીં એક કાર નહેરમાં ખાબકી હતી, જેમાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે 2020માં પણ એક કાર આ જ જગ્યાએથી નહેરમાં પડી હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ત્યારે આ સાંકડું ગરનાળું અને ભયજનક વળાંક દૂર કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

Most Popular

To Top