National

‘સુરતમાં જે થયું તે…’: સુપ્રીમ કોર્ટમાં સુરત લોકસભા બેઠકનો મુદ્દો ચર્ચાયો, ચૂંટણી પંચ પાસે કોર્ટે માંગ્યો જવાબ


નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Courte) ચૂંટણીમાં (Eletion) EVM સાથે મતદાન કર્યા પછી દરેક VVPATની ગણતરી કરવાની અરજીને ફગાવી દીધી છે. આ દરમિયાન બીજી એક અરજી સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે, જેમાં એવી માંગણી કરવામાં આવી છે કે જો NOTAને કોઈપણ સીટ પર સૌથી વધુ વોટ મળે છે, તો ફરીથી ચૂંટણી થવી જોઈએ. આ સાંભળીને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું, આ ચૂંટણી પ્રક્રિયા વિશે છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ (Election Commission) શું જવાબ આપે છે તે જોઈશું. આ ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટની બેન્ચે પંચને નોટિસ પાઠવીને તેનો જવાબ માંગ્યો છે.

આ પીઆઈએલ મોટિવેશનલ સ્પીકર અને લેખક શિવ ખેડા વતી દાખલ કરવામાં આવી છે. ખેડા વતી રજૂ કરાયેલી અરજી પર દલીલ કરતી વખતે વકીલ ગોપાલ શંકરનારાયણને કહ્યું કે આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે જેના પર વિચાર કરવાની જરૂર છે. સુરત લોકસભા બેઠક પર બિનહરીફ જીતેલા ભાજપના ઉમેદવારનું ઉદાહરણ આપતાં વકીલ ગોપાલ શંકરનારાયણને કહ્યું કે, ત્યાં ચૂંટણી જંગમાં માત્ર એક જ ઉમેદવાર બાકી રહ્યા હતા. વકીલે કહ્યું કે અમે જોયું કે સુરતમાં ભાજપ સિવાય કોઈના ઉમેદવાર બચ્યા ન હતા. તમામ મત માત્ર એક જ ઉમેદવારને જવાના હતા. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી પંચે પણ NOTAના વિકલ્પને ચૂંટણી ઉમેદવાર તરીકે જાહેર કરવો જોઈએ.

આ સિવાય જો NOTAને ચૂંટણીમાં સૌથી વધુ મત મળે તો ફરીથી ચૂંટણી યોજવી જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે NOTA 2013 થી લોકસભા, વિધાનસભા અને નાગરિક સંસ્થાઓ સહિત તમામ ચૂંટણીઓમાં લાગુ કરવામાં આવી હતી. ત્યારથી બે વાર માંગ કરવામાં આવી છે કે NOTA ને કાલ્પનિક ઉમેદવાર જાહેર કરવામાં આવે.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે NOTA સંબંધિત આ નિયમ મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને પુડુચેરી સહિત ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવ્યો છે. આ ચાર સ્થળોએ નિયમ એવો છે કે જો કોઈપણ ચૂંટણીમાં NOTAના મત સૌથી વધુ હોય તો ફરીથી ચૂંટણી કરાવવી જોઈએ.

એટલું જ નહીં શિવ ખેડાએ તેમની અરજીમાં માંગ કરી છે કે ચૂંટણી પંચે NOTAનો સારી રીતે પ્રચાર કરવો જોઈએ. તે પ્રચારમાં જણાવવું જોઈએ કે ચૂંટણીમાં તમારી પાસે NOTAનો વિકલ્પ પણ હશે. જો તમે સૌથી વધુ NOTA પસંદ કરશો તો ફરીથી ચૂંટણી હાથ ધરવામાં આવશે. એટલું જ નહીં તેમણે માંગ કરી હતી કે NOTAના મતોથી ઓછા મતો મેળવનાર તમામ ઉમેદવારો પર 5 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

Most Popular

To Top