Vadodara

કમાટીબાગમાં વાંદરાએ સહેલાણીનો મોબાઈલ ઝૂંટવ્યો



વડોદરા ના કમાટીબાગ ઝૂ માં વાંદરાના હાથમાં મોબાઇલ આવ્યો હોવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા માં ભારે વાયરલ થવા પામ્યો છે. જેને લઇને તરહ તરહની ચર્ચાઓ જાગી છે. ઘણી વખત સહેલાણીઓ પ્રાણીઓના પિંજરાની વધુ નજીક મોબાઇલમાં ફોટો પાડવા માટે જઇ પહોંચતા હોય છે.
જેને લઇને વાંદરાએ કોઇ સહેલાણીનો ફોન ઝૂંટવી લીધો હોવાનુું ચર્ચાઇ રહ્યું છે. લોકોએ પ્રાણીઓના પિંજરાથી સલામત અંતર રાખવું જરૂરી છે.
મધ્યગુજરાતનું એક સમયનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલચ સયાજીબાગ ઝૂ વડોદરામાં આવેલું છે. આ ઝૂ માત્ર વડોદરા જ નહિ પરંતુ આસપાસના જિલ્લાના લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. લોકોનો સયાજીબાગ ઝૂનો અનુભવ વધારે યાદગાર બનાવવા માટે તંત્ર દ્વારા વિવિધ પ્રકારના નવીન આકર્ષણોનો ઉમેરો કરવાનું ચાલુ જ છે. તેવામાં આજે વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક વિડીયો ભારે વાયરલ થવા પામ્યો છે. જેમાં એક વાંદરાના હાથમાં મોબાઇલ ફોન જોવા મળી રહ્યો છે. વાંદરૂ પીંજરામાં કેદ છે. અને મોબાઇલ ફોન વડે રમી રહ્યું છે.
આ વિડીયોમાં પાછળથી લોકોનો અવાજ સાંભળવા મળી રહ્યો છે. હિંદી અને ગુજરાતીમાં લોકો એકબીજાને પુછી રહ્યા છે કે, આ કોનો ફોન અંદર જતો રહ્યો છે. તેવામાં વાંદરો પિંજરામાં ઉપર નીચે મોબાઇલ ફોન લઇને આંટા મારી રહ્યો છે. અને હાથમાં તો આવી ગયું હવે શું કરવું તેનો વિચાર કરતો જોવા મળી રહ્યો છે.
આ ઘટનામાં કોઇ સહેલાણી વાંદરાના પિંજરા નજીક ગયો હોય, અને તેનો ફોન તેણે ઝુંટવી લીધો હોય તેવી શક્યતા છે. કમાટીબાગમાં રાખવામાં આવેલા અલગ અલગ પ્રાણીઓના અથવા તો તેમના જોડે નજીકથી ફોટો ખેંચવા માટેનો લોકોમાં ક્રેઝ હોય છે. ત્યારે આ રીતે ફોન અથવા કોઇ કિંમતી સામાન પ્રાણીના હાથ લાગે તો નુકશાન પણ વેઠવું પડી શકે છે. આ ઘટનાનો વિડીયો ભારે વાયરલ થયા બાદ તંત્રએ લોકોને પિંજરાથી સલામત અંતર સુધી દુર રાખવા માટે કડક પગલા લેવા પડશે તેમ પણ લોકચર્ચા થઇ રહી છે. જો કે, આ વિડીયો ક્યારનો છે, તે અંગે કોઇ સત્તાવાર માહિતી સામે આવી નથી.

Most Popular

To Top