Charchapatra

પ્રિ મોન્સુન કામગીરી

સુમપા દ્વારા પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી દેવાઈ હોવાના સમાચાર ‘ગુજરાતમિત્ર’ દ્વારા જાણ્યા. દર વર્ષે સુમપા આ કવાયત કરે છે અને વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ આ કામગીરીની પોલ ખૂલી જાય છે. આ કામગીરી અંતર્ગત સુમપાએ વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે વરસાદી પાણીના ઇન્લેટો વ્યવસ્થિત સાફ કરાવવાની સાથે ઇન્લેટની આજુબાજુ સ્કેપિંગ કરાવવું-માટીના ઢગલાઓ અને છારુ દૂર કરવું, ત્યાં લોકોનાં મકાનોની ટેરેસ, ધાબા અને ઝૂંપડપટ્ટી વિસ્તારોના છાપરાંઓ ઉપર પાણી ભરાઈ રહે તેવો ભંગાર સામાન દૂર કરાવવો સાથે ફૂટપાથો અને જાહેર રસ્તાઓ ઉપર પ્રજા દ્વારા નંખાતો ગાર્ડનવેસ્ટ ત્વરિત ઉંચકવા માટેની વ્યવસ્થા કરવી અને ભારે વરસાદમાં ક્યાંય પાણી ભરાઈ જાય તો તેની જાણ કરવા સુમપાએ ઇમરજન્સી નંબરો જાહેર કરવા જોઇએ.

ઉપરાંત ભારે વરસાદની આગાહી દરમ્યાન તમામ ઝોનમાં ક્વીક રિસ્પોન્સ ટીમ ખડે પગે હાજર રહેવી જોઇએ. તદુપરાંત ચોમાસા પૂર્વે દરેક ઝોનમાં ભયજનક મિલકતોનો સર્વે થવો જોઇએ. જરૂરી હોય તેને નોટીસો અપાવી જોઇએ. સોસાયટીઓમાં આંતરિક ભાગે બનેલા 20-25 વર્ષ જૂના તમામ એપાર્ટમેન્ટો-જોખમી બહુમાળી મકાનોની નોંધ લેવી જોઇએ. હાઉસિંગ બોર્ડનાં મકાનો તો હવે અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં છે. એન્જિનિયરો પાસે એનો સ્ટેબીલીટી સર્વે કરાવવો અત્યંત જરૂરી બનેલ છે.
સુરત     – જિતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અંધ ભક્તિ અને નફરત
કોઈ વ્યક્તિ માટેની અંધ ભક્તિ એટલે એ વ્યક્તિની જીવનશૈલી, કથની-કરણી સંપૂર્ણ સાચી જ હોય કે સાચી છે એમ માની એનું અનુસરણ કરવું. એના તરફના પ્રેમ અને ભક્તિમાં એટલાં બધાં ગળાડૂબ થવું કે કોઈ માન્યતા વિરુદ્ધનું સત્ય બતાવે તોય આંખ ન ખોલવી. બીજી તરફ, કોઈ વ્યક્તિ ગમે તેટલી સારી કે સાચી હોય છતાં એની માત્ર ખામીઓ શોધવાનો અભિગમ. કેવળ પૂર્વગ્રહપ્રેરિત વિશ્લેષણ અને પૃથક્કરણ કરી એને નફરત કરવી, ધિક્કારવો. આ બન્ને પ્રકારની સ્થિતિ એટલે આંખ બંધ રાખવાનો ‘ઇરરેશનલ’ અભિગમ. જે તદ્દન અયોગ્ય છે. આ પૃથ્વી પરની દરેક વ્યક્તિમાં કંઈક સારું હોય છે તો કંઈક નબળું હોય છે.

કોઈ વ્યક્તિ સંપૂર્ણ હોતી નથી. આપણે એને કઈ રીતે જોઈએ, મૂલવીએ છીએ એ અગત્યનું છે. મોટે ભાગે, જાત સામે અરીસો ધરવાનું ભૂલી જઈને આપણે અન્યને આપણી બનાવેલી માપપટ્ટી વડે માપવામાં કે માઇક્રોસકોપિક ઓબ્ઝર્વેશન કરવામાં સમય વ્યતીત કરીએ છીએ. જે સરવાળે આપણા જ દુઃખનું કારણ બને છે. મનની શાંતિ હણી લે છે. જીવનમાં કેવળ વિવેકબુદ્ધિયુક્ત વલણ થકી કેળવાતી સમદૃષ્ટિ અને હકારાત્મક અભિગમ જ આનંદ આપે છે.  અંધ ભક્તિ કે નફરત જીવનનો આનંદ હણી લે છે. એ ધર્મનું ક્ષેત્ર હોય કે રાજકારણનું.
સુરત     – સુનીલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top