Vadodara

MSU : જેન્ટ્‌સ વોશરૂમમાં પ્રશ્નોના જવાબ લખી ચોરી કરવાની વિદ્યાર્થીઓની નવી રીત

લો ફેકલ્ટીના સત્તાધીશો દ્બારા વોશરૂમની તપાસ બાદ તમામ દિવાલો પર વ્હાઇટવોશ કરવાની કામગીરી

લખાયેલુ લખાણ થોડા કલાક અગાઉ જ લખાયું હોવાનો સત્તાધીશોનો લૂલો બચાવ

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પરીક્ષાનો માહોલ છે. તેવા સમયે લો ફેકલ્ટીના જેન્ટ્સ વોશરૂમમાં પ્રશ્નોના જવાબો લખી ચોરી કરવાની નવી રીત વિદ્યાર્થીઓએ અપનાવી હોવાનું સામે આવ્યું છે. જેને પગલે સત્તાધીશો દ્વારા જેન્ટ્સ વોશરૂમની મુલાકાત લઇ તાત્કાલિક અસરથી પગલા લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના બીજા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ હાલ ચાલી રહી છે. જેમાં યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પરીક્ષાઓ માટેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે અંતર્ગત લો ફેકલ્ટી ખાતે પણ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષાના કલાકો દરમિયાન યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલા સ્પેશિયલ સ્કોર્ડ દ્વારા પરીક્ષા ખંડની મુલાકાત લઈ ગેરરેતી રોકવાનું કામ કરી રહી છે. પરંતુ વિદ્યાર્થીઓએ નવો ચોરી કરવાનો રસ્તો અપનાવી જેન્ટ્સ વોશરૂમમાં પ્રશ્નપત્રોના જવાબ લખી ચોરી કરવાની નવી રીત અપનાવવામાં આવી છે.

યુનિવર્સિટી સ્કોર્ડ પરીક્ષા ખંડની મુલાકાત લઈ વિદ્યાર્થીઓનું ચેકિંગ કરે છે. પરંતુ મૂળચોરી તો જેન્ટ્સ વોશરૂમમાં થઈ રહી છે. આ બાબત ધ્યાન પર આવતા લો ફેકલ્ટીના ડીન ડો.અર્ચના વાડેકર અને એસોસિયેટ પ્રોફેસર ઘનશ્યામ સોલંકી એ તાત્કાલિક જેન્ટ્સ વોશરૂમની મુલાકાત લીધી હતી અને તાત્કાલિક અસરથી પગલા લઈ જેન્ટ્સ વોશરૂમની દીવાલો પર વ્હાઈટ વોશ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે લો ફેકલ્ટીના સત્તાધીશોએ જેન્ટ્સ વોશરૂમની દિવાલ ઉપર લખાયેલુ સમગ્ર લખાણ થોડા કલાકો અગાઉ લખાયું હોવાનું જણાવી પોતાનો લૂલો બચાવ કર્યો હતો.

લો ફેકલ્ટીના ડીન ડો.અર્ચના વાડેકરે જણાવ્યું હતું કે અમે જોતા જ રહી છીએ, જેટલું હોઈ શકે એટલું કંટ્રોલ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે કે વિદ્યાર્થીઓ મિસ યુઝ ના કરે. અમે આ મામલે યુનિવર્સિટીને પત્ર લખીને જાણ કરી છે કે વાઈટ વોશ મારવામાં આવે. આ લખાણ આજે લખ્યું હોય વિદ્યાર્થીઓએ તો એ અમને ખબર નથી. અમે એક્શન તો લઈએ છે જ અને આ પણ થઈ જશે.

લો ફેકલ્ટીના એસોસિયેટ પ્રોફેસર ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું હતું કે લોબીમાં નોન ટીચિંગ સ્ટાફ એટલે કે પટાવાળાને પણ અમે બેસાડીએ છીએ જેથી કરીને વારાફરતી વિદ્યાર્થીઓ અંદર જાય, એક સાથે બધા વિદ્યાર્થીઓ ન જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. હાલ ત્યાં જ તેઓ બેઠા હતા, પણ ફેકલ્ટીનું નાનું કામ હોવાથી એ લોકો અત્યારે બેઠા છે. ઉપરના બંને બાથરૂમમાં અને ટોયલેટની બહાર અને નીચેના વોશરૂમની બહાર પણ અમે પટાવાળાને સવારની અને બપોરની શિફ્ટમાં બેસાડીએ છે. જેથી વિદ્યાર્થીઓ અંદર વાટાઘાટો ન કરે અને મટીરીયલ લઈ ન જાય. એમાં ચેક પણ કરીએ છીએ અને દરેક વિદ્યાર્થીને ઉભા કરીને અમે લેડીઝ ટીચર ગર્લ્સ નું ચેકિંગ કરે છે અને મેલ ટીચર બોયઝ સ્ટુડન્ટ્સનું ચેક કરે છે અને દરમિયાન ક્યારે પણ આવો ચિટ વાળો બનાવ બને તો રિપોર્ટ કરવામાં આવે છે અને તે ન થાય તેના માટે પૂરતા પગલા યુનિવર્સિટી દ્વારા જણાવેલા નિયમ પ્રમાણે લેવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top