Vadodara

વડોદરાના વ્યંઢળો ઢોલ નગારા સાથે મતદાન કરવા જશે


રંગે ચંગે હકથી અને વટથી મતદાન કરો, મતદાનના દિવસે લાંબી કતારો લગાવી દો: વ્યંઢળ સમાજના અગ્રણી અંજનાકુંવર (અંજુ માસી)*

વડોદરા લોકસભા બેઠક પર તા. ૭ મે, ૨૦૨૪ ના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લામાં મતદારો પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરી મહત્તમ મતદાન કરે તે હેતુથી શહેરના બરાનપુરા વિસ્તારના વ્યંઢળ સમાજના અગ્રણી અંજનાકુંવર (અંજુ માસી)એ શહેર-જિલ્લાના મતદારોને હક અને વટથી મતદાન કરવા અપીલ કરી છે.

અંજુમાસીએ વડોદરાના તમામ મતદારોને મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવવા અપીલ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, મારા સહિત વડોદરાના વ્યંઢળ સમાજના તમામ લોકો ઢોલ-નગારાના નાદ સાથે ઉત્સાહભેર મત આપવા જવાના છીએ, તો તમે કેમ નહીં? તેમણે વડોદરાના તમામ મતદારોને રંગે ચંગે હકથી અને વટથી મતદાન કરવા અનુરોધ કર્યો છે. મતદાનના દિવસે પોલિંગ બુથ અને પોલિંગ સ્ટેશનની બહાર મતદારોની લાંબી કતારો હોવી જોઈએ, તેવો અભિપ્રાય તેમણે વ્યક્ત કર્યો છે. મતદારોએ ઘરની બહાર નીકળી મતદાન મથક પર જઈ જવાબદારી અને ગૌરવ સાથે પૂરી નિષ્ઠાથી મતદાન કરવું જોઈએ. તેઓ મતને અમૂલ્ય દાન પણ માની રહ્યા છે. જેથી આજનો યુવા મતદાર બંધારણે આપેલી પવિત્ર ફરજ અને અધિકારને દાનના રૂપમાં સ્વીકારીને પણ સાતમી તારીખે મતદાન કરવા માટે પહોંચી જાય તેવી વિનંતી પણ અંજુમાસીએ કરી છે.

મહત્વનું છે કે, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ના ત્રીજા તબક્કાનું મતદાન આગામી તા. ૭ મી મેના રોજ યોજાશે. ત્યારે સમગ્ર વડોદરા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top