Gujarat

પોરબંદર નજીક મધદરિયે વધુ એક ઓપરેશન, 60 કરોડનું ચરસ ઝડપાયું

ગાંધીનગર: (Gandhinagar) લોકસભાની ચૂંટણી ટાણે ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સની (Drugs) દાણચોરી અટકાવવા માટે સ્ટેટ તથા સેન્ટ્રલની સિકયુરીટી એજન્સીઓ હાઈ એલર્ટ પર કામ કરી રહી છે. આજે સતત બીજા ઓપરેશન દરમ્યાન ગુજરાત એટીએસ તથા ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા પોરબંદરથી 120 નોટિકલ માઈલ દૂર ભારતીય જળ સીમાની અંદરથી એક ફિંશિંગ બોટમાંથી 173 કિલો ચરસ મળી આવતા તે જપ્ત કરી લેવાયું છે. આ ચરસની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 60 કરોડ થવા જાય છે. મધદરિયે ઝડપાયેલી બોટમાં ડ્રગ્સ સાથે બે ડ્રગ્સ માફિયા સહિત કુલ પાંચ જેટલા ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી લેવાઈ છે. જેમાં કૈલાશ વિજયનાથ સનપ, દત્તા સખારામ, મંગેશ તુકારામ, હરીદાસ રામનાથ કુલાલ અને કચ્છના માંડવીથી અલી અસગર ઉર્ફે આરીફ બીડાણીનો સમાવેષ થાય છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આજે ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, એટીએસના સિનિયર અધિકારીને અગાઉથી બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રના પૂનાના કેટલાંક ડ્રગ્સ માફિયાઓ કરાંચીથી ડ્ર્ગ્સ મંગાવીને તેને દ્વારકા નજીક લેન્ડિંગ કરાવીને કરોડોનો નફો કરીને વેચી મારવાની ફિરાકમાં છે, જેના પગલે પોરંબદરથી દૂર મધદરિયે આ ઓપરેશન ભારતીય કોસ્ટ ગાર્ડ તથા એટીએસના તપાસનીશ અધિકારીઓની ટીમ દ્વારા હાથ ધરાયું હતું. જેમાં દરિયામાં ચાર દિવસ સુધી તપાસ હાથ ધર્યા બાદ 28મી મેના રોજ આ ફિશિંગ બોટ મળી આવી હતી. તેને આંતરીને ઝડતી લેતાં, બોટમાંથી 178 કિલો ચરસ ( હશીષ) મળી આવ્યું હતું. જેના પગલે એક બીજુ ઓપરેશન પૂનામાં હાથ ધરીને ત્યાંથી કૈલાશ વિજયનાથ સનપ તથા દ્વારકામાંથી મંગેશ તુકારામ તથા હરીદાસ રામનાથની અને માંડવી- કચ્છથી અસગર અલીની ધરપકડ કરી લેવાઈ છે.

આ પૂનાના ડ્રગ્સ માફિયાઓ સલાયાથી ફિશિંગ બોટ ભાડે કરીને મધદરિયે ગયા હતાં, ત્યાંથી તેઓ પાકિસ્તાન તરફ સરકી ગયા હતા, એટલું જ નહીં પાકિસ્તાન નજીકના પસનીના દરિયાકાંઠાની નજીક પહોચી, ત્યાંથી તેઓની બોટમાં કરાંચીથી આવેલી બોટમાંથી 173 કિલો ચરસ લોડ કરવામાં આવ્યુ હતું. પૂનાની ગેંગ સાથે સંકળયેલા ડ્રગ્સ માફિયાઓએ પાક ડ્રગ્સ માફિયાઓના સંપર્કમાં રહેવા થુરાયા સેટેલાઈટ ફોનનો ઉપયોગ કર્યો હતો. આ રીતે તેઓ પાક ડ્રગ્સ માફિયાઓના જીવંત સંપર્કમાં હતા.

ડ્રગ્સ લઈને પરત આવતી વખતે તેઓ મોટી ફિશિંગ બોટમાંથી નાની બોટમાં ડ્રગ્સ ટ્રાન્સફર કરીને તેનું લેન્ડિંગ દ્વારકા નજીક નિર્જન સ્થાને કરવાના હતા. આ બોટમાંથી ઝડપાયેલા બે ડ્રગ્સ માફિયા તથા ડ્ર્ગ્સ પોરબંદર લાવવામાં આવ્યું છે. વધુ તપાસ એનસીબી તથા એટીએસ કરી રહી છે. હજુ ગઈકાલે જ પોરબંદર નજીક મદદરિયે હાથ ધરાયેલા સંયુકત્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાંથી ભારતીય જળસીમાની અંદરથી એક પાકિસ્તાની બોટને આંતરીને તેમાંથી 14 જેટલા પાક ડ્રગ્સ માફિયાઓ તથા 602 કરોડનું 86 કિલો હેરોઈન જપ્ત કરી લેવાયુ છે.

Most Popular

To Top