Gujarat

રૂપાલા સામે રોષ વધુ ઉગ્ર બન્યો, જામનગરના ધ્રોલમાં ભાજપની રેલીનો વિરોધ, કાર્યાલયમાં તોડફોડ

ગાંધીનગર: (Gandhinagar) રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર (BJP Candidate) પરસોત્તમ રૂપાલાના વાણીવિલાસ બાદ ઉભો થયેલો ક્ષત્રિય સમાજનો વિરોધ શાંત થવાનું નામ નથી લેતો, પરંતુ હવે આ વિરોધ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ઉગ્ર બન્યો છે. જેને કારણે ભાજપ ઉમેદવાર અને કાર્યકરો ગામડાઓમાં પ્રચાર કરવા જતા ડરી રહ્યા છે. ગઈકાલે જામનગરના ધ્રોલમાં ભાજપના મહિલા ઉમેદવાર પૂનમબેન માડમના રોડ શો અને જાહેર સભામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી સૂત્રોચાર કર્યો હતો. બીજી તરફ કેટલાક લોકોએ ભાજપ કાર્યાલયમાં તોડફોડ કરી હતી. આ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

સાથે જ મહિલા અસ્મિતાની લડાઈમાં ભાવનગર અને જામનગરમાં ભાજપની મહિલા ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર કરવો પણ મુશ્કેલ બની રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા જામનગરમાં તેમજ ભાવનગરમાં ખૂબ આક્રમક વિરોધ કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં તો ભાજપના ઉમેદવાર પૂનમ માડમની જાહેર સભામાં હંગામો થતાં ખુરશીઓ ઉછળી હતી, પરિણામે સભા રદ કરવાની ફરજ પડી હતી. તેવી જ રીતે ભાવનગરમાં પણ ક્ષત્રિય સમાજના વિરોધને કારણે મહિલા ઉમેદવાર નિમુબેન બાંભણિયાને પ્રચાર માટે જવું મુશ્કેલ બન્યું છે. તેથી તેઓની સભા તેમજ ચૂંટણી પ્રચારમાં જતા પહેલા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.

રૂપાલાનો વિરોધ હવે ગ્રામ્ય વિસ્તારોમાં એટલી હદે ફેલાઈ ગયો છે કે ભાજપ દ્વારા ગામડાઓમાં પ્રચાર કરવો ખૂબ જ મુશ્કેલ બન્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ માટે પ્રચાર કરવા જતા ઉમેદવાર અને કાર્યકરોનો રાજપૂત સમાજના વિરોધનો ભોગ બનવું પડે છે. આ વિરોધને કારણે ભાજપ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કરવા જતા ડરી રહી છે.
જામનગરના જામજોધપુર, કાલાવાડ, નવાગામ, ઘેડ બાદ હવે ધ્રોલમાં પૂનમબેનના રોડ શોનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજના યુવકોએ કાળા વાવટા ફરકાવીને રૂપાલા અને ભાજપ વિરુધ્ધ સૂત્રોચાર કર્યો હતો.
બીજી તરફ ભાવનગરમાં પણ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળ્યો છે. ભાવનગરમાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા સામે પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ગઈકાલે તેમની એક જાહેર સભામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવકો પહોંચી ગયા હતા અને ભારે સૂત્રોચાર કર્યો હતો. ક્ષત્રિય સમાજના વિરોધના પગલે હવે ભાજપની ચૂંટણી સભાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી રહી છે. જ્યાં ભાજપની ચૂંટણી સભાઓ યોજાતી હોય છે, ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી રહ્યો છે. સાથે જ સભા સ્થળેથી થોડે દૂર એકસાથે ટોળામાં આવતા યુવકોને સભાસ્થળ સુધી જવા દેવામાં આવતા નથી. પોલીસ તેઓને ત્યાં જ અટકાવી દે છે. આમ ભાજપ માટે હવે ચૂંટણી પ્રચાર કરવો પણ મુશ્કેલ બની રહ્યો છે.

રાજકોટના માધાપરમાં ક્ષત્રિયાણીઓ રેલી કાઢી ભાજપના ચૂંટણી કાર્યાલય પહોંચતાં માહોલ ગરમાયો
રાજકોટના માધાપર ખાતે ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજના યુવકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રૂપાલા હાય હાય, જય ભવાની ભાજપ જવાનીના નારા સાથે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવકોની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. બીજી તરફ રાજકોટમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયાણીઓ એકઠી થઈ રેલી યોજી જય ભવાનીના નારા સાથે રેલી માધાપર વિસ્તારમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન સ્થળે પહોંચી હતી. પોલીસે આ મહિલાઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાઓ જય ભવાનીના નારા સાથે વિરોધ પ્રદર્શન કરતી ભાજપ કાર્યાલય સુધી પહોંચી ગઈ હતી.

કવિરાજ- ચારણ સાહિત્યકારોને ક્ષત્રિય સમાજની સાચી વાત રજૂ કરવા કરણી સેનાની અપીલ
ક્ષત્રિય સમાજની સાચી વાત અને સત્ય ઘટનાઓ લોકો સમક્ષ રજૂ કરવા માટે કવિરાજ તેમજ ચારણ સાહિત્યકારોને સૌરાષ્ટ્ર ઝોન કરણીસેનાના અગ્રણી રાજભાએ અપીલ કરી છે. સૌરાષ્ટ્ર ઝોન કરણીસેનાના અગ્રણી રાજભાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કરી અપીલ કરતાં કહ્યું છે કે, દેશના રાજા, રજવાડાઓ, ક્ષત્રિય સમાજના પરિવારો, જ્ઞાતિ, જાતિ વિશે કવિરાજ ચારણ સાહિત્યકારોએ ખૂબ જ પ્રશંસા સાથે સત્ય ઘટનાઓ લોકો સમક્ષ રજૂ કરી છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં કવિરાજ, ચારણ સાહિત્યકારોને ક્ષત્રિય સમાજની સાચી વાત રજૂ કરવા આગળ આવવા માટે અનુરોધ છે. આજે ખરેખર ક્ષત્રિય સમાજની સાચી વાત રજૂ કરવાનો સમય છે. અગાઉ પણ આપ લોકોએ ક્ષત્રિય સમાજની ગૌરવ ગાથાઓ વ્યક્ત કરી છે, ત્યારે અત્યારના સમયમાં ક્ષત્રિય સમાજની સાથે રહીને સાચી હકીકત રજૂ કરવી જોઈએ.

પાટણની સભામાં રાહુલ ગાંધીએ ભાવનગરના પ્રજા વાત્સલ્ય મહારાજાને યાદ કર્યા
કોંગ્રેસના કેન્દ્રીય નેતા રાહુલ ગાંધીની આજે પાટણ ખાતે ચૂંટણી સભા યોજાઈ હતી. આ ચૂંટણી સભામાં સંબોધન કરતા રાહુલ ગાંધીએ ભાવનગરના રાજવીને યાદ કરતા કહ્યું હતું કે, ભાવનગરના મહારાજાએ તેમનું રાજ દેશ માટે સમર્પિત કર્યું હતું, તેમને ધન્યવાદ સાથે તેમનું સન્માન કરું છું.

Most Popular

To Top