Dakshin Gujarat

શુક્લ દંપતી શિક્ષિકા પુત્રીને ઘરની ચાવી આપી બહારગામ ગયું અને જમાઈ ખેલ કરી ગયો

બારડોલી: (Bardoli) બારડોલીના ગોપાલનગરમાં સાસુ-સસરાના ઘરમાંથી જમાઈ જ એક લાખના સોનાના (Gold) દાગીના ચોરી કરી ગીરવે મૂકી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે બારડોલી ટાઉન પોલીસમથકમાં ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના ગોપાલનગરમાં રહેતા હેમંત ઇન્દ્રદેવ શુક્લના મકાનમાં નીચે તેઓ તેમની પત્ની અને બે પુત્રો સાથે રહે છે. જ્યારે ઉપરના માળે તેમની પુત્રી રૂપાબેન અને જમાઈ અરુણભાઈ તિવારી તેમના એક પુત્ર સાથે રહેતા આવ્યા છે. રૂપાબેન બારડોલીની એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. ગત 24/2/2024ના રોજ હેમંતભાઈ તેમની પત્ની અને બે પુત્રો સાથે ગામ ગયા હતા અને ઘરની તથા કબાટની ચાવી રૂપાને આપી ગયા હતા. તેઓ 16મી માર્ચના રોજ પરત ફર્યા હતા. દરમિયાન રૂપાનો પતિ અરુણ ઘરે ન હોવાથી રૂપાએ તેને ફોન કરતાં તેણે હું બહાર ગયો છું અને પહેલી એપ્રિલ સુધી ઘરે આવી જઈશ એમ જણાવ્યું હતું.

24મી માર્ચના રોજ બપોરે હેમંતભાઈ અને તેમની પત્નીએ ઘરમાં મૂકેલો કબાટ ખોલતાં અંદર મૂકેલા કેટલાક સોનાના દાગીના ગાયબ હતા, જેમાં હાથમાંનું સોનાનું લૂઝ, ગળાનો સોનાનો સેટ, કાનની બુટ્ટી, એક વીંટી કુલ કિંમત રૂ.1 લાખનો સમાવેશ થતો હતો. આથી રૂપાએ આ બાબતે તેના પતિને પૂછતાં તેણે પહેલાં તો કંઈ જણાવ્યું ન હતું. પરંતુ બે-ત્રણ દિવસ પછી પતિ અરુણે મેસેજ કરીને રૂપાને જણાવ્યું હતું કે, ઘરમાંની સોનાની વસ્તુ હું જ લઈ ગયો છું અને સોનીને આપી છે. તેમજ અમુક વસ્તુ બેન્કમાં ગીરવે મૂકી છે, જેવી ગોળગોળ વાતો કરી હતી. ત્યારબાદ પણ તે ઘરે પરત આવ્યો ન હતો. આથી રૂપાએ બારડોલી ટાઉન પોલીસમથકમાં ફરિયાદ કરતાં પોલીસે અરુણ તિવારી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top