Business

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અબજોપતિ બનવાની નજીક, આ દુર્લભ રેકોર્ડ સર્જાશે!

નવી દિલ્હી: ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈ એક દુર્લભ સિદ્ધિ હાંસલ કરવાની નજીક પહોંચી ગયા છે. તેમની નેટવર્થ લગભગ એક અબજ ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે. જો આવું થશે તો પિચાઈ અબજોપતિઓની યાદીમાં સામેલ થનાર વિશ્વના પ્રથમ બિન-સ્થાપક ટેક એક્ઝિક્યુટિવ બનશે.

સુંદર પિચાઈ વર્ષ 2015માં ગૂગલના સીઈઓ બન્યા હતા. ત્યારથી કંપનીના શેરમાં 400% થી વધુનો વધારો થયો છે. એસ એન્ડ પી (S&P) અને નાસ્ડેક (Nasdaq)ની સરખામણીમાં આ સ્ટોકનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. ગયા શુક્રવારે કંપનીએ તેના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા.

આ સમયગાળા દરમિયાન કંપનીની આવક અપેક્ષા કરતા સારી રહી છે. જેના કારણે કંપનીના શેર નવા રેકોર્ડ પર પહોંચ્યા છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ યુનિટમાં એઆઈ (AI) આધારિત વૃદ્ધિને કારણે કંપનીની આવકમાં વધારો થયો છે. કંપનીએ તેના ઇતિહાસમાં પ્રથમ વખત ડિવિડન્ડ પણ ચૂકવ્યું છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર પિચાઈની કુલ સંપત્તિ એક અબજ ડોલરની નજીક પહોંચી ગઈ છે. કંપનીના શેર અને હેન્ડસમ સ્ટોક એવોર્ડ્સમાં થયેલા વધારાને કારણે પિચાઈ વિશ્વના સૌથી વધુ પગાર મેળવનારા એક્ઝિક્યુટિવ્સમાં સામેલ છે.

51 વર્ષીય પિચાઈને 2015માં ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજ દ્વારા ગૂગલના સીઈઓ બનાવવામાં આવ્યા હતા. પછી પેજ કંપનીની નવી રચાયેલી હોલ્ડિંગ કંપની આલ્ફાબેટના સીઈઓ બન્યા. વર્ષ 2019 માં, લેરી પેજ અને સહ-સ્થાપક સર્ગેઈ બ્રિને રોજિંદા કામથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું.

ત્યારબાદ પિચાઈને આલ્ફાબેટના સીઈઓનું પદ પણ મળ્યું. પેજ અને બ્રિન વિશ્વના ટોચના 10 સૌથી અમીર લોકોમાં સામેલ છે. પેજ $146 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ છે, જ્યારે બ્રિન $139 બિલિયનની નેટવર્થ સાથે યાદીમાં સાતમા સ્થાને છે.

સીઈઓ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પિચાઈએ ગૂગલ આસિસ્ટન્ટ (Google Assistant), ગૂગલ હોમ (Google Home), ગૂગલ પિક્સલ (Google Pixel), ગૂગલ વર્કસ્પેસ (Google Workspace) જેવા ઉત્પાદનો લોન્ચ કરીને કંપનીનું એક્સપાન્સન કર્યું હતું.

એઆઈના પ્રારંભિક અપનાવનારાઓમાંના એક પણ પિચાઈ જ છે. તેમણે તેને જીવનની મૂલ્યવાન તક ગણાવી હતી. પિચાઈ અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓ છે. વર્ષ 2022માં તેને 226 મિલિયન ડોલરનો પગાર મળ્યો હતો. જો ભારતીય રૂપિયામાં ગણતરી કરવામાં આવે તો તે 18,84,39,13,900 રૂપિયા થાય છે. એટલે કે ગયા વર્ષે પિચાઈને રોજના 5,16,27,161 રૂપિયા મળ્યા હતા.

પિચાઈએ ટોચ સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. ખૂબ જ સામાન્ય પરિવાર સાથે જોડાયેલા પિચાઈનું બાળપણ સંઘર્ષમાં વીત્યું હતું. તેમની પાસે ભણવા માટે ઘરમાં કોઈ અલગ રૂમ પણ ન હતો. તે તેમના નાના ભાઈ સાથે ડ્રોઈંગ રૂમના ફલોર પર સૂતા હતા. ઘરમાં ટેલિવિઝન, કાર કોઈ લક્ઝરી નહોતી.

Most Popular

To Top