Vadodara

આરોગ્ય સચિવ મુલાકાતે આવતા એસએસજીનું તંત્ર દોડતું થયું, યુદ્ધના ધોરણે સાફ સફાઈ

સાફ સફાઈ દરમિયાન એક દર્દી હાથમાં ચડાવેલા બોટલ સાથે ફરતો દેખાયો

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરામાં આજે રાજ્યના આરોગ્ય સચિવ આવ્યા છે. મુખ્ય સચિવ આવે તે પહેલા હોસ્પિટલમાં રંગરોગાનથી લઇને પંખા-એસી સહિત અનેક સુવિધાઓ દુરસ્ત કરી દેવામાં આવી હતી. સાફ સફાઇ દરમિયાન એક તબક્કે દર્દીને ચઢાવેલો બોટલ પોતાના હાથમાં રાખીને આંટાફારે મારતો હોય તેવા વિડીયો ફરતો થયો છે.
આજના દ્રશ્યો જોતા દર્દીઓ સમયાંતરે આરોગ્ય સચિવ હોસ્પિટલની મુલાકાતે આવતા રહે તેવી માંગ કરી રહ્યા છે.
વડોદરામાં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજીમાં વડોદરા તથા આસપાસ જ નહિ પરંતુ રાજ્યબહારના દર્દીઓ પણ આવે છે અને સાજા થઇને જાય છે. હોસ્પિટલ અનેક સારા-નરસા કારણોસર ચર્ચામાં રહે છે. આજે ખાસ ચર્ચામાં આવવાનું કારણ આરોગ્ય સચિવના આગમન પૂર્વે થયેલી હોસ્પિટલની કાયાપલટ છે. આજે આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદીના આગમન પુર્વે હોસ્પિટલમાં રંગરોગાન, સ્વચ્છતા, પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. સાથે જ દર્દીઓ માટે એસી-પંખાની સુવિધા દુરસ્ત કરી દેવામાં આવી હતી. જેને લઇને એક તબક્કે દર્દી પોતાને ચઢાવેલો બોટલ હાથમાં લઇને ફરતો હોવાનો વિડીયો હાલ સપાટી પર આવ્યો છે.
એસએસજી હોસ્પિટલની કાયા પલટને લઇને દર્દીઓ અને તેમના સગાઓ આશ્ચર્યમાં મુકાયા છે. આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ મુલાકાત અંગે કહ્યું કે, એસએસજી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા જાણવા માટેની આ મારી પહેલી મુલાકાત છે. આ એક રૂટીન મીટિંગ છે. મારે આ અંગે કંઇ વધારે કહેવું નથી. તેમને પુછવામાં આવેલા સવાલો પૈકી જૂજના તેમણે જવાબો આપ્યા હતા. અને હોસ્પિટલમાં દર્દીઓને મળતી સુવિધાઓની સમીક્ષા પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાની હોસ્પિટલમાં જે દ્રશ્યો સર્જાયા તે કોઇ ફિલ્મી સેટથી કમ નથી. પરંતુ જે કંઇ થયું તેનાથી દર્દીઓ અને તેમના સગા રાહત અનુભવી રહ્યા છે. જે સૌથી મોટી વાત છે.

Most Popular

To Top