SURAT

નિલેશ કુંભાણી સુરત આવી ગયા છે તો લોકોથી મોઢું કેમ સંતાડી રહ્યાં છે?, સવાલો ઉઠવા લાગ્યાં

સુરત: ટેકેદારોની ખોટી સહીના વિવાદને પગલે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયા બાદ સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ વિજેતા ઘોષિત થયા છે. જે દિવસે ફોર્મ રદ્દ થયું તે દિવસથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ગાયબ થઈ ગયા છે.

કુંભાણીએ જ ફોર્મ રદ કરાવી કોંગ્રેસનું પત્તું કાપવાનું ષડયંત્ર રચ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીને ગદ્દાર દર્શાવતા પોસ્ટરો ઠેરઠેર ચોંટાડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને કેટલાંય કોંગ્રેસી આગેવાનોએ કુંભાણી સુરત આવશે તો માર પડશે તેવા નિવેદનો આપી ચૂક્યા છે. ત્યારે ગઈકાલે તા. 1 મેના રોજ નિલેશ કુંભાણી સુરતમાં તેમના ઘરે આવી ચૂક્યા હોવાના સમાચાર વહેતા થયા હતા.

કુંભાણી સવારે મીડિયા સમક્ષ હાજર થશે તેવા સમાચાર પણ મળ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ કુંભાણીએ મીડિયાને મળવાની મનાઈ કરી દીધી હતી. નિલેશ કુંભાણીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને કુંભાણી કોઈને મળી રહ્યાં નથી.

નિલેશ કુંભાણીના ઘરની બહાર ગઈકાલે તા. 1 મેની રાતે જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસને પણ ભય છે કે, નિલેશ કુંભાણી સુરતમાં તેમના ઘરે આવતા કાયદો વ્યવસ્થા જોખમાઇ શકે છે.

કુંભાણીની તબિયત ખરાબ હોવાનો મેસેજ વાયરલ થયો
નિલેશ કુંભાણી તા. 1 મે બુધવારની રાત્રે સુરત આવી ગયા હોવાના સમાચાર વહેતા થયા હતા. આજે તા. 2 મેને ગુરુવારની સવારે 8 વાગ્યે કુંભાણી માધવ ફાર્મ ખાતે પત્રકારો સાથે વાત કરશે તેવો મેસેજ પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. આ મેસેજના લગભગ એકાદ કલાક બાદ બીજો એક મેસેજ મીડિયાના પત્રકારોને કુંભાણીના અંગત વ્યક્તિ દ્વારા કરાયો હતો. જેમાં એવું લખ્યું હતું કે, કુંભાણીની તબિયત સારી નથી. તેઓ મીડિયાને મળી શકશે નહીં. એક જ કલાકમાં કુંભાણીની તબિયત અચાનક કેવી રીતે ખરાબ થઈ તે પ્રશ્ન છે. વળી, કુંભાણી મીડિયા અને પ્રજા સમક્ષ હાજર કેમ થતા નથી તે પણ પ્રશ્ન ઉઠવા લાગ્યો છે. કુંભાણી કેમ મોંઢું છુપાવી રહ્યાં છે? આખરે તેમને કોનો ડર છે?

Most Popular

To Top