SURAT

સુરત: 17 વર્ષ પહેલાં ખોવાઈ ગયેલા પિતા અચાનક મળ્યા, સાથે રહ્યાં હર્યા-ફર્યા અને ફરી ગૂમ થઈ ગયા

સુરત: ક્યારેક જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય છે કે વ્યક્તિ નસીબને દોષ દેવા મજબૂર બની જાય છે. સુરતના પરિવાર સાથે આવી જ ઘટના બની છે. સુરતમાં રહેતા પરિવારના મોભી એવા 4 સંતાનોના પિતા 17 વર્ષ પહેલાં ખોવાઈ ગયા હતા. મૃત્યુ પામ્યા હોવાનું માની લઈ પરિવારે મન મનાવી લીધું હતું, પરંતુ અચાનક 17 વર્ષ બાદ સોશિયલ મીડિયાની મદદથી તે મળી આવ્યા.

અચાનક પિતા મળી આવતા સંતાનોનો હરખ સમાતો નહોતો. જે પિતાનો ચહેરો પણ ધૂંધળો યાદ હતો તે પિતા સાક્ષાત તેમની નજર સામે આવી પહોંચ્યા હતા. પરિવાર ખુબ ખુશ હતો. પિતા સાથે રહ્યાં, હર્યા-ફર્યા પણ ફરી કંઈક એવું બન્યું કે સંતાનોની આંખો રડવા લાગી. 8 મહિના બાદ પિતા ફરી અચાનક ગૂમ થઈ ગયા. પરિવાર હવે પોલીસ પાસે પિતાને શોધી આપવા મદદ માંગી રહ્યું છે.

આ કરૂણ કિસ્સો સુરત શહેરના પરિવારનો છે. સુરતમાં રહેતા પરિવારના સભ્યોએ કહ્યું કે, 17 વર્ષ અગાઉ એક અકસ્માતમાં 4 સંતાનોએ પિતાને ગુમાવ્યા હતા. માતા અને દાદાએ તે સમયે કહ્યું કે અકસ્માતમાં પિતાનું મોત થયું છે. 17 વર્ષથી 4 સંતાનો પિતાની છત્ર છાયા વિના જીવી રહ્યાં હતાં. પરંતુ એક દિવસ અચાનક ફેસબૂકમાં ‘પીપલ યુ મે નો’માં પિતાની પ્રોફાઈલ દેખાઈ હતી.

સંતાનોએ આ પ્રોફાઈલ બતાવતા માતાએ પિતાને ઓળખી લીધા હતા. તે પ્રોફાઈલ પર આપવામાં આવેલા નંબર પર દીકરાએ ફોન કર્યો હતો. ત્યારે પિતા ડાકોર નજીક દુકાન ચલાવતા હોવાની વિગત મળી હતી. પિતા સાથે દીકરાએ વાત કરી ત્યાર બાદમાં માતાને ફોન આપ્યો હતો. પિતા પણ સંતાનો અને પત્નીને ઓળખી ગયા હતા. પિતા સુરત આવવા તૈયાર થયા હતા.

દીકરાએ કહ્યું કે, ફોન પર સંપર્ક થયા બાદ પિતા સુરત આવ્યા હતા. અમારી સાથે જ રહ્યાં હતાં. અમે ચાર ભાઈ-બહેનો અને માતા ખુબ ખુશ હતા. અમે હોટલમાં જમવા જતા. ફિલ્મો જોતા. પાંચ વર્ષનો હતો ત્યારે પિતાને ગુમાવ્યા હતા, 17 વર્ષ બાદ તે મળ્યા તેથી આનંદ સમાતો નહોતો. પરંતુ આ ખુશી 8 મહિના જ ટકી. ભગવાનને જાણે અમારી ખુશી મંજૂર ન હોય તેમ એક દિવસ અચાનક પિતા ફરી ગૂમ થઈ ગયા.

અમે શોધવા ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ ક્યાંય મળ્યા નહી. સચિન પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપવા ગયા હતાં. પરંતુ તેમણે ખાસ તપાસ કરી નહોતી. અમને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ હૈયાધરપત આપી હતી. પરંતુ તેમ છતાં કંઈ ન થતાં પોલીસ કમિશનરમાં અરજી આપી છે. અમારી એક જ માગ છે કે, અમારા પિતા પર કોઈ દબાણ હશે તો જ જતાં રહ્યા હશે. જેથી અમે તેમને પરત પિતા મળે તે માટે અમે રજૂઆત પોલીસ કમિશનરને કરી છે.

Most Popular

To Top