Gujarat

રૂપાલા વિવાદ વચ્ચે રાજકોટમાં નવો પટેલ પત્રિકા વિવાદ સર્જાયો

ગાંધીનગર: (Gandhinagar) રાજકોટમાં ભાજપના (BJP) લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ દેશી રજવાડા વિશે કરેલા નિવેદનને પગલે ઊભો થયેલો વિવાદ હજી સુધી શાંત પડ્યો નથી, ત્યાં તો રાજકોટમાં નવો પટેલ પત્રિકાકાંડ સર્જાયો છે.

  • રાજકોટમાં રૂપાલા વિવાદ હજી યથાવત ત્યાં હવે પટેલ પત્રિકા કાંડમાં ચારની ધરપકડ
  • રાજકોટ લોકસભા બેઠકના રાજકીય જંગમા હવે પત્રિકા કાંડથી ભાજપ, કોંગ્રેસ અને ખોડલધામમાં ખળભળાટ થઈ ગયો

રાજકોટમાં પાટીદાર સમાજના બે ફાંટા એટલે કે લેઉવા અને કડવા પાટીદારો વચ્ચે વૈમન્સ્ય સર્જતા આ પત્રિકાકાંડમાં પોલીસ દ્વારા ચાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે આ કાર્યકરો રાજકીય પક્ષના છે કે પછી ધાર્મિક સંસ્થાના છે તે મુદ્દે કોઈ સ્પષ્ટતા પોલીસે કરી નથી, અલબત્ત રાજકોટમાં આ ધરપકડ વિશે મોઢા એટલી વાતો થઈ રહી છે. કોંગ્રેસે લેઉવા પાટીદાર ઉમેદવાર પરેશ ધાનાણી તથા ભાજપે કડવા પાટીદાર ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે. સમાજના નામે મત માંગવા વાયરલ કરાયેલી પાટીદાર પત્રિકા મામલે 4 યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

પત્રિકામાં લખાયુ છે કે 20 વર્ષ પછી રાજકોટમાં લેઉવા પાટીદારના આંગણે પ્રસંગ આવ્યો છે. રાત દિવસ એટલા આમંત્રણ આપજો કે, 7 તારીખે પ્રસંગના દિવસે માણસો ન ઘટવા જોઈએ. પરેશ ધાનાણીને સપોર્ટ કરો. લેઉવા પાટીદાર સમાજની એકતા બતાવવાનો સમય આવી ગયો છે. રાજકોટ બેઠક પર લેઉવા પાટીદાર મતો 4.63 લાખ છે જયારે કડવા પાટીદાર મતો 1.46 લાખ જેટલા છે. આ પત્રિકાઓ વાયરલ થયા બાદ ભાજપના નેતા મહેશ પીપરિયાની ફરિયાદ બાદ ચાર યુવકોની ધરપકડ કરી લેવાઈ હતી.

રાજકોટ ભાજપના નારાજ નેતાઓ દ્વારા ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનું ષડયંત્ર
અમદાવાદ: રાજકોટ ભાજપના નારાજ નેતાઓ દ્વારા પોતાના મિશનને પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો હિન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મૂળ ભાજપના ભટકેલા પેજ પ્રમુખો પાસે નામ ઠામ વગરની પત્રિકાઓ વહેંચાવી અને ખોડલધામ યુવા સમિતિના કાર્યકરોને ફસાવવાનું ષડયંત્ર કોણ કરી રહ્યું છે ? તેવો સવાલ પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોષીએ કર્યો હતો.

ડૉ. મનીષ દોષીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા સવાલ કર્યા હતા કે, પત્રિકા, પોસ્ટર, સીડીના નિષ્ણાંત પકડાઈ જાય અને ભાજપના અંદરો અંદરના કારનામા ખુલ્લા ન પડી જાય તે માટે ગમે તેને પકડીને કોંગ્રેસ ઉપર દોષારોપણ કરવા માટે ભાજપના ઇશારે પોલીસ તંત્ર કામગીરી કરે છે. વડોદરામાં રંજનબેન ભટ્ટ, મહિલા સાંસદ વિશે પત્રિકા, પોસ્ટરના અસલી પ્રકાશકો કોણ છે ? સમગ્ર વડોદરા આ બાબત જાણે છે. સાબરકાંઠામાં પત્રિકાઓ પ્રસિદ્ધ કરનાર વેચનારાઓ કોણ છે ?, વલસાડમાં પત્રિકા વોટ્સએપ પર હકીકતો પ્રસિદ્ધ કરનાર કોણ હતા? સુરેન્દ્રનગરમાં પત્રિકા વાયરલ કરનાર કોણ હતા? રાજકોટ, આણંદ, બનાસકાંઠામાં ભાજપની વિવિધ હરકતો પ્રકાશિત કરનાર વાઇરલ કરનાર વ્યક્તિઓ કોણ છે? કારનામા ખુલ્લા પડી ગયા છે, ત્યારે ભાજપ લાજવાને બદલે ગાજવાનું કામ કરે છે. ભાજપમાં આંતરિક ત્રણ જૂથ સક્રિય થઈ ગયા છે. મૂળ ભાજપ, આરએસએસના પાયાના કાર્યકરો અને આગેવાનોનું અલગ જૂથ એમ ત્રણ જૂથ ભાજપમાં સક્રિય થયા છે.

Most Popular

To Top