Dakshin Gujarat Main

‘રાજકોટ જ નહીં રૂપાલાને કોઇ પણ ઠેકાણે ચુંટણી લડવા ન દઈએ’, ભરૂચની ક્ષત્રાણીઓનો હુંકાર

ભરૂચ(Bharuch) : પુરુષોત્તમ રુપાલા રાજપૂતો વિશે અપ્રિય નિવેદન કરીને બરોબરના ફસાયા છે. રુપાલાના બેફામ નિવેદને ભાજપની પણ મુશ્કેલી વધારી છે. રુપાલાના નિવેદનથી રોષે ભરાયેલો ક્ષત્રિય સમાજ આખાય રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. સુરતમાં સોમવારે કરણી સેનાએ રૂપાલા વિરુદ્ધ કલેક્ટરને આવેદન આપ્યું હતું. આજે સવારે અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયોએ રેલી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો હતો ત્યાં હવે ભરૂચમાં પણ ક્ષત્રિયો રસ્તે ઉતર્યા છે.

આજે તા. 2 એપ્રિલને મંગળવારે ભરૂચ ખાતે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાના વિરોધમાં ભરૂચ રાજપૂત ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ પ્રચંડ વિરોધ નોધાવી આવેદનપત્ર આપ્યું હતું. જોકે રૂપાલાના પૂતળા દહન કરવા જતાં પોલીસ અને આગેવાનો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતાં.

મંગળવારે ભરૂચ જિલ્લા રાજપૂત સમાજના આગેવાનો અને સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં પ્રથમ રાજપૂત છાત્રાલય ખાતે એકત્ર થઈને કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા નિવાસી કલેકટર એન.એમ.ધાંધલને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે ગગનભેદી સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું.

જ્યારે સમાજ દ્વારા રૂપાલાના પૂતળાનું દહન કરવા જતાં પોલીસે જોઈ જતાં પીઆઈ સહિતના અધિકારી અને આગેવાનોમાં દોડધામ સાથે પૂતળાની ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતાં. જોકે પોલીસે પૂતળાને પોતાના કબ્જામાં લઈને પૂતળા દહનના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો.

આવેદનપત્ર આપતી વખતે સંદિપ માંગરોલા, પરિમલસિંહ રણા, ઓમકારસિંહ મહારાઉલ સહીત ભરૂચ રાજપૂત સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી. ક્ષત્રાણીઓએ કહ્યું હતું કે, રાજપૂત સમાજનું અપમાન કરનાર રૂપાલાને રાજકોટ તો શું કોઈ પણ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા દેવામાં નહીં આવશે.

ઉલ્લેખનીય એ છે કે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા સામે ભરૂચ જિલ્લા સહીત સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો સમાજ દ્વારા જબરદસ્ત વિરોધ કરાઈ રહ્યો છે. રાજ્યમાં ઠેર ઠેર રૂપાલાનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધવાઈ રહ્યો છે. જેમાં ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક પરથી તેમની ટિકીટ રદ્દ કરવાની માંગ પણ અડગ છે. પુરષોત્તમ રૂપાલાએ રજવાડા લઈને આપેલા વિવાદિત નિવેદનને લઈને તેના પડઘા સમગ્ર ગુજરાતમાં દેખાઈ રહ્યા છે.

Most Popular

To Top