Vadodara

નવી બોડી જાહેર થતાં જ વડોદરા તાલુકા ભાજપમાં ડખો: બાજવા ભાજપના અગ્રણીનો સોશિયલ મીડિયા પર આક્રોશ

સંગઠનની નવી યાદીમાં પાયાના કાર્યકરોની ઉપેક્ષા થવાનો આક્ષેપ; યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી ૨૩ તારીખે મોટા પાયે સામૂહિક રાજીનામા પડશે

વડોદરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત થતાંની સાથે જ પક્ષમાં આંતરિક અસંતોષ અને ભડકો સપાટી પર આવ્યો છે. સંગઠનની નવી યાદીમાં વર્ષોથી પક્ષ માટે વફાદાર રહેલા સીનિયર અને પાયાના કાર્યકરોની ઉપેક્ષા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે વડોદરા ભાજપના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને બાજવા ગામના એક સીનિયર કાર્યકર્તા દ્વારા પોતાની થયેલી ઘોર અવગણના સામે ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો છે. પક્ષના આ આંતરિક જૂથવાદ અને નારાજગીના કારણે આગામી દિવસોમાં સ્થાનિક રાજકારણમાં મોટા ઉલટફેર થવાના સંકેતો મળી રહ્યા છે.
​મળતી વિગતો અનુસાર, બાજવા ગામના ભાજપના અગ્રણી અને જૂના કાર્યકર્તા હિતેન્દ્ર ખંડવી, જેઓ છેલ્લા આશરે ૨૦ વર્ષ જેટલા લાંબા સમયથી પક્ષની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે, તેમની આ નવી તાલુકા ટીમમાં સદંતર અવગણના કરવામાં આવી છે. નવી યાદીમાં કોઈ પણ સ્થાન કે મહત્વનો હોદ્દો ન મળતા તેઓ ભારે નારાજ થયા છે. આ નારાજગીના વિરોધ સ્વરૂપે તેમણે વડોદરા જિલ્લા ભાજપના સાંસદ, ધારાસભ્યો, મંત્રીઓ અને પ્રભારીઓ સહિત અંદાજે ૮૨૭ જેટલા સભ્યો ધરાવતું ભાજપનું સત્તાવાર વોટ્સએપ ગ્રુપ ડિલીટ કરી નાખ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રકારે તમામ વરિષ્ઠ નેતાઓને એકસાથે ગ્રુપમાંથી દૂર કરી વોટ્સએપ ગ્રુપ બંધ કરી દેવાતા જિલ્લા અને તાલુકા ભાજપ સંગઠનમાં ભારે દોડધામ મચી ગઈ છે.
​આ વિરોધ પ્રદર્શન માત્ર વોટ્સએપ ગ્રુપ ડિલીટ કરવા પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ નારાજ કાર્યકરો દ્વારા પક્ષના મોવડીમંડળને ખુલ્લી ચીમકી પણ આપવામાં આવી છે. હિતેન્દ્ર ખંડવી સહિતના અન્ય નારાજ પાયાના કાર્યકર્તાઓની રજૂઆતો અને અસંતોષ પ્રત્યે જો પક્ષના ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા તાકીદે ધ્યાન આપવામાં નહીં આવે અને યોગ્ય સુધારો કરવામાં નહીં આવે, તો આગામી ૨૩મી તારીખે બપોરે ૧૨:૦૦ વાગ્યે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઈને સામૂહિક રાજીનામા ધરી દેશે. આ આક્રમક વલણને જોતા વડોદરા તાલુકા ભાજપમાં ચાલી રહેલો આ આંતરિક વિખવાદ આગામી સમયમાં પક્ષ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે તેમ છે.

Most Popular

To Top