India

ગિરનારમાં સિંહનો વધુ એક જીવલેણ હુમલો: કાકાનો હાથ પકડીને ચઢતા 12 વર્ષના મયૂરને સિંહ ખેંચી ગયો

માત્ર અવશેષો મળતાં પરિવારમાં શોક,થોડા જ દિવસોમાં સિંહના હુમલાની છઠ્ઠી ઘટના, ગિરનાર યાત્રાળુઓમાં ભયનો માહોલ; સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો

ગિરનાર પર્વત પર વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વહેલી સવારે પરિવાર સાથે ગિરનાર યાત્રા માટે આવેલા 12 વર્ષના બાળક પર સિંહે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ સિંહ બાળકને મોઢામાં પકડી જંગલ તરફ ખેંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને સ્થાનિક બચાવ ટીમોએ વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે લાંબી શોધખોળ બાદ બાળક જીવતો મળી આવ્યો નહીં અને માત્ર તેના અવશેષો મળી આવતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી એક પરિવાર ગિરનારની યાત્રા માટે જૂનાગઢ આવ્યો હતો. વહેલી સવારે અંદાજે પાંચ વાગ્યે પરિવાર ગિરનારની સીડીઓ ચઢી રહ્યો હતો. તે દરમિયાન લગભગ 50મા પગથિયાં નજીક 12 વર્ષનો મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પોતાના કાકાનો હાથ પકડીને આગળ વધી રહ્યો હતો. એ સમયે અચાનક અંધકારમાંથી એક સિંહ બહાર આવ્યો અને બાળક પર હુમલો કરી તેને મોઢામાં પકડી જંગલ તરફ ખેંચી ગયો.ઘટનાની જાણ થતાં જ યાત્રાળુઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો તેમજ વન વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર જંગલ વિસ્તારમાં કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. શોધખોળ દરમિયાન બાળકનો એક પગ, બુટ અને કપડાં સહિતના અવશેષો મળી આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

આ કરુણ ઘટનાએ બાળકના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગિરનાર યાત્રા માટે આનંદ અને શ્રદ્ધા સાથે આવેલા પરિવારને આવી દુઃખદ ઘટનાનો સામનો કરવો પડતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોમાં સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના હોવાનું સામે આવ્યું છે. ગિરનાર પર્વત વન્યજીવ અભ્યારણ્યનો પણ મહત્વનો ભાગ હોવાથી અહીં સિંહ સહિતના વન્ય પ્રાણીઓની અવરજવર રહે છે. જોકે યાત્રાળુઓની વધતી સંખ્યા અને વન્યજીવો સાથે વધતા સંપર્કને કારણે માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.

આ ઘટનાએ ગિરનાર યાત્રાળુઓની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વહેલી સવારે યાત્રા દરમિયાન પૂરતી લાઇટ, પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ ઉઠી રહી છે. વન વિભાગે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને ભાવિકોને સાવચેતી રાખી અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

Most Popular

To Top