અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા ભક્તિના માહોલ વચ્ચે ધીમી ગતિએ આગળ વધી રહી છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથ સરસપુર મોસાળ પહોંચી ગયા છે, જ્યાં પરંપરા મુજબ ભગવાનનું મામેરું કરવામાં આવ્યું અને વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો. લાખો ભક્તોના જયઘોષ વચ્ચે શહેર આજે ભક્તિમય રંગમાં રંગાઈ ગયું છે. રથયાત્રાનો પ્રારંભ વહેલી સવારે ભગવાન જગન્નાથની મંગળા આરતી સાથે થયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા અને ભગવાનની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. આરતી બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને તેમના પરંપરાગત રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત ‘પહિંદ’ વિધિ કરીને સોનાની સાવરણી વડે રસ્તો સાફ કર્યો અને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો પણ આ ધાર્મિક વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. આ વર્ષે સુરક્ષાને ખાસ મહત્વ આપવામાં આવ્યું હતું. રથયાત્રામાં સામેલ હાથીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. કેટલાક હાથીઓના પગ દોડવાની શક્યતા ટાળવા માટે હળવાશથી બાંધવામાં આવ્યા હતા, જ્યારે દરેક હાથી પર સર્વેલન્સ કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા જેથી તેમની દરેક હિલચાલ પર નજર રાખી શકાય. ગયા વર્ષે હાથી ભડકવાની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે ગજરાજ સ્કવોડ તૈનાત કરવામાં આવ્યો હતો અને પોલીસ તેમજ સુરક્ષા કર્મચારીઓને સિટી ન વગાડવા સહિતની ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
રથયાત્રા નિયત સમય કરતાં આશરે એક કલાક મોડી ચાલી રહી છે. ભારે ભીડ અને વિવિધ અખાડા, ભજન મંડળીઓ તેમજ શણગારેલા ટેબલોના કારણે યાત્રાની ગતિ ધીમી રહી હતી. જોકે, ભગવાનના ત્રણેય રથ સફળતાપૂર્વક સરસપુર પહોંચી ગયા હતા, જ્યાં પરંપરા મુજબ ભગવાનનું મામેરું કરવામાં આવ્યું. સરસપુરમાં ભગવાનને વિશેષ ભોગ અર્પણ કરવામાં આવ્યો અને રથો લગભગ એક કલાક સુધી ત્યાં રોકાયા. સરસપુર મંદિર પાસે એક વ્યક્તિ અચાનક બેભાન થઈ જતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે ઝડપી કામગીરી કરીને એમ્બ્યુલન્સ માટે રસ્તો ખાલી કરાવ્યો હતો. દિવસ દરમિયાન અન્ય એક પ્રસંગે પણ રથયાત્રાના રૂટ પર ફસાઈ ગયેલી એમ્બ્યુલન્સને પોલીસ અને સ્વયંસેવકો દ્વારા ભીડ હટાવી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. દર્દીને એમ્બ્યુલન્સમાં જ CPR આપવામાં આવી રહ્યો હોવાની માહિતી પણ સામે આવી હતી.
રથયાત્રા દરમિયાન પાંચકુવા વિસ્તારમાં રસ્તા પર પૂરતું પાણી ન છંટકાતા ભગવાનના રથ ખેંચતા ખલાસીઓના પગ ગરમીના કારણે દાઝી રહ્યા હોવાના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. કેટલાક ખલાસીઓ છાંયો શોધીને આરામ કરતા પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ સંબંધિત તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. રથયાત્રાના સમગ્ર રૂટ પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એન્ટી ડ્રોન સિસ્ટમ, CCTV, સર્વેલન્સ કેમેરા અને હજારો પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. બિનઅધિકૃત ડ્રોન પર સતત નજર રાખવામાં આવી રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સી.એમ. ડેશબોર્ડ પરથી સમગ્ર રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કર્યું હતું.
રથયાત્રામાં સામાજિક સંદેશ આપતા અનેક શણગારેલા ટ્રકો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સ્વચ્છતા, અંગદાન, વૃક્ષારોપણ, સાયબર ક્રાઇમ જાગૃતિ, સેનિટેશન અને પર્યાવરણ સંરક્ષણ જેવા સંદેશો આપતા ટેબલોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. કેટલાક ટ્રકો પર આંતરરાષ્ટ્રીય શાંતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ભારત શાંતિ ઈચ્છે છે તેવો સંદેશ આપતા પોસ્ટરો પણ જોવા મળ્યા હતા. રથયાત્રા દરમિયાન નાના બાળકો અને યુવતીઓએ અખાડામાં કરતબો રજૂ કરીને સૌનું મન મોહી લીધું હતું. ભજન મંડળીઓના ભક્તિમય ગીતો અને ‘જય રણછોડ માખણ ચોર’ તથા ‘જય જગન્નાથ’ના ગગનભેદી નાદથી સમગ્ર માર્ગ ગુંજી ઉઠ્યો હતો. અનેક સ્થળોએ ભક્તોને પ્રસાદરૂપે મગ, ચોકલેટ અને અન્ય પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જોકે, રથયાત્રાના રૂટ પર આવેલા કેટલાક જર્જરિત અને જોખમી જાહેર કરાયેલા મકાનો પર લોકો મોટી સંખ્યામાં ઉભા જોવા મળ્યા હતા. આ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સ્થળ પર હાજર ન હોવાના આક્ષેપો પણ થયા હતા. હાલ ભગવાનના ત્રણેય રથ સરસપુરથી પરત યાત્રા શરૂ કરવાની તૈયારીમાં છે. દિવસભર લાખો ભક્તોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને હવે રાત્રે ભગવાનના રથો ફરી જમાલપુર સ્થિત નિજ મંદિરે પરત ફરશે.