લંડનની લક્ઝરી હોટેલમાં સાઉદી અરેબિયાના 29 વર્ષીય રાજકુમાર અબ્દુલ્લા બિન ફહાદ બિન અબ્દુલ્લા બિન અબ્દુલઅઝીઝ બિન જલાવી અલ સાઉદના શંકાસ્પદ મોતના મામલે યુકેની કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટમાં રજૂ કરાયેલા ટોક્સિકોલોજી રિપોર્ટ મુજબ, પ્રિન્સનું મોત આલ્કોહોલ, પાર્ટી ડ્રગ્સ અને ડિપ્રેશન/એન્ઝાયટી માટે વપરાતી દવાઓના ઘાતક કોમ્બિનેશનથી થતાં કાર્ડિયાક એરેસ્ટ (હૃદય બંધ પડી જવાથી) થયું હતું.
ઘટનાનો ક્રમ અને હોટેલ રુમમાંથી મળ્યો મૃતદેહ
પ્રિન્સ અબ્દુલ્લાએ 19 નવેમ્બરના રોજ લંડનના ક્રોમવેલ રોડ સ્થિત માર્કિઝ/મેરિયટ હોટેલમાં એક અઠવાડિયા માટે રોકાણ કરવા ચેક-ઇન કર્યું હતું.
- છેલ્લી વખત CCTV માં દેખાયા: મોતની આગલી સાંજે તેઓ રૂમની બહાર સિગારેટ પીવા આવ્યા ત્યારે સીસીટીવીમાં એકલા દેખાયા હતા.
- બાથરૂમના ફ્લોર પરથી મૃતદેહ મળ્યો: બીજા દિવસે હોટેલના સફાઈ કર્મચારીએ પાંચમા માળે આવેલા તેમના લોક રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રિન્સ કપડાં પહેરેલી હાલતમાં બાથરૂમના ફ્લોર પર નિશ્ચેતન પડ્યા હતા.
- પેરામેડિક્સની ટીમે મૃત જાહેર કર્યા: હોટેલ સ્ટાફે તાત્કાલિક ઈમરજન્સી સર્વિસ અને સુરક્ષા ટીમને બોલાવી હતી, પરંતુ CPR આપવા છતાં તેમને બચાવી શકાયા ન હતા અને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ટોક્સિકોલોજી રિપોર્ટ: આલ્કોહોલ અને ડ્રગ્સનું ઘાતક મિશ્રણ
ઈનર વેસ્ટ લંડન કોરોનર્સ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર:
- દારૂનું પ્રમાણ: પ્રિન્સના લોહીમાં દારૂનું પ્રમાણ 222mg (પ્રતિ 100ml) મળી આવ્યું હતું, જે ઇંગ્લેન્ડમાં ડ્રાઇવિંગ માટેની કાનૂની મર્યાદા (80mg) કરતાં ત્રણ ગણું વધારે હતું. નિષ્ણાતોના મતે દારૂનું આટલું પ્રમાણ વ્યક્તિને કોમામાં મોકલવા માટે પૂરતું છે.
- પાર્ટી ડ્રગ GHB: તેમના શરીરમાંથી ગ્રેમા-હાઇડ્રોક્સીબ્યુટીરેટ (GHB) નામના પાર્ટી ડ્રગનું અત્યંત જોખમી અને ઘાતક પ્રમાણ મળી આવ્યું હતું.
- અન્ય દવાઓ: આ સિવાય ગાંજો, એન્ઝાયટીની દવા ઝેનેક્સ અને અન્ય ડિપ્રેશનની ગોળીઓ પણ તેમના શરીરમાંથી મળી આવી હતી.
ડોક્ટરોના જણાવ્યા મુજબ, આ તમામ ડિપ્રિસેન્ટ અને નશાકારક પદાર્થો એકસાથે લેવાને કારણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર પડી હતી અને હૃદય બંધ પડી જવાથી તેમનું મોત નીપજ્યું હતું.
નશાની લત છોડાવવા રિહેબ સેન્ટરમાં લીધી હતી સારવાર
તપાસ દરમિયાન સામે આવ્યું કે પ્રિન્સ અબ્દુલ્લા લાંબા સમયથી દારૂ અને પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સની લતથી પીડાતા હતા.
- પ્રાયરી ક્લિનિક: ઓગસ્ટ 2025માં તેમણે લંડનના પ્રખ્યાત પ્રાયરી ક્લિનિકમાં એડમિટ થઈને દારૂ, બેન્ઝોડાયાઝેપાઇન્સ અને પ્રેગાબાલિનથી ડિટોક્સિફિકેશન કરાવ્યું હતું.
- રેનફોર્ડ હોલ: ત્યારબાદ તેમણે મરસીસાઇડના રેનફોર્ડ હોલ ક્લિનિકમાં વધુ સારવાર લીધી હતી અને ઓક્ટોબર મહિનામાં શ્વાસ સબંધી ચેપમાંથી સાજા થઈને રજા લીધી હતી.
- મનોચિકિત્સકના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાંથી રજા આપતી વખતે તેમનામાં આત્મહત્યા કરવાનો કોઈ વિચાર કે જોખમ દેખાયું ન હતું.
કોર્ટે આપ્યો ‘દુર્ઘટના‘ નો ચુકાદો
અસિસ્ટેન્ટ કોરોનર જીન હાર્કિને સ્પષ્ટ કર્યું કે પ્રિન્સ અબ્દુલ્લાએ આત્મહત્યા કરી હોય તેવો કોઈ પુરાવો મળ્યો નથી. રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, તેમજ સીસીટીવીમાં કોઈ ત્રીજી વ્યક્તિની અવરજવર કે રૂમમાં કોઈ બળજબરીના એંધાણ નહોતા. કોર્ટે આ કેસને “દુર્ઘટનાજનક મોત”તરીકે નોંધ્યો છે. ઘટના બાદ સાઉદી રોયલ કોર્ટે સત્તાવાર નિવેદન જારી કરીને પ્રિન્સના અવસાનની પુષ્ટિ કરી હતી અને રિયાધની VIP ઇમામ તુર્કી બિન અબ્દુલ્લા મસ્જિદમાં તેમના અંતિમ સંસ્કારની પ્રાર્થના યોજવામાં આવી હતી